વર્તમાન પ્રવાહ, ન્યુઝ નેટવર્ક
વાપી(ચલા), તા.16:
વાપી નજીકના વટાર ગામ, પાંચીયા ફળિયામાં ચંૂટણી હારી ગયાની અદાવત રાખી ચાર ઈસમોએ બોલાચાલી કરી લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારી એકને ઈજાગ્રસ્ત કર્યો હતો. જે બનાવની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી નજીકના વટાર પાંચીયા ફળિયામાં શશીકાંત અશોકભાઈ હળપતિ (ઉં.આ.32) પરિવાર સાથે રહે છે. ગત તારીખ 14-1-22 ના રોજ રાત્રીના નવેક વાગ્યની આસપાસ તેઓ તથા કુટુંબી રાહુલ ઠાકોર હળપતિ, નિર્મલ ઠાકોર હળપતિ તથા ગણેશ અશોક હળપતિ સાથે ફળિયામાં જ બેસેલા હતાં. આ દરમિયાન તેઓના ફળિયામાં રહેતા જયંતિ લક્ષ્મણ હળપતિ આવ્યા હતા અને ચૂંટણી હારી ગયેલ હોય જે અદાવત રાખી તેઓની સાથે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જઈ નિર્મલના માથાના ભાગે લાકડું માર્યુ હતું. જેમાં નિર્મલના માથા તથા કપાળ અને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી. બૂમાબૂમ થતાં જયંતિની સાથે મહેશ રમેશ હળપતિ, વિપુલ નરેશ હળપતિ, નરેશ મગન હળપતિ પણ દોડી આવ્યા હતા અને ફળિયામાં બેસેલા તમામને ઢીક્કામુક્કીનો માર માર્યોહતો. જે બાદ ઈજાગ્રસ્ત બનેલ નિર્મલને વાપીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ શશીકાંત અશોક હળપતિએ મારામારી કરવા આવનાર (1) જયંતિ હળપતિ (2) મહેશ હળપતિ (3) વિપુલ હળપતિ અને (4) નરેશ હળપતિ (તમામ રહે. પાંચીયા ફળિયા, વટાર, તા.વાપી) સામે વાપી ટાઉન પોલીસ મથકમા નોંધાવી હતી.