દાનહના એસ.પી. અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કરેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
દાનહ જિલ્લા ભાજપ એસ.સી. મોર્ચાના ઉપાધ્યક્ષ શ્રી ગુલાબભાઈ રોહિતે નરોલી ચારરસ્તા પર ટ્રાફિક નિયમન તથા અકસ્માતોને રોકવા ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્પીડબ્રેકર બનાવવા પોલીસ પ્રશાસનને અનુરોધ કર્યો છે.
દાનહ જિલ્લા ભાજપ એસ.સી. મોર્ચાનાં ભાજપા ઉપાધ્યક્ષ શ્રી ગુલાબભાઈ રોહિતે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડબ્લ્યુડીનાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અતિ વ્યસ્ત રહેતા નરોલી ચારરસ્તા પર પુરપાટ ઝડપે કન્ટેનરો, ટ્રકો, ટેંકરો, કારો તથા અન્ય વાહનોનાં કારણે છાશવારે અકસ્માતો થતાં રહે છે. નરોલી ચારરસ્તા પર સેલવાસ-ભિલાડ રોડ પર ભારે વાહનોની પુરપાટ ઝડપે અવર-જવરથી નરોલી બોરીગાંવ રોડથી નરોલી ચારરસ્તાએ આવતાં વાહનોને ઘણીજ મુશ્કેલીઓ વેઠવા પડતી હોય છે. જરા પણ ચૂક થઈ તો અકસ્માતમાં વાહનચાલકો અને પદયાત્રીઓનો જીવ પણ જઈ શકે એવી સ્થિતિ અહીં સર્જાય છે. ગત તા.30મીએ એવા જ એક અકસ્માતમાં અહીં એક નિર્દોષઑટો ડ્રાઈવરનું કરૂણ મોત થવા પામ્યું હતું. તેથી એવા અકસ્માતોને અટકાવવા નરોલી ચારરસ્તા પર ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્પીડબ્રેકર બનાવવાની તાતી જરૂરત દેખાય છે. જેથી વાહનોની સ્પીડ પર અંકુશ મુકી શકાય અને અકસ્માતો થતા બચી શકાય. શ્રી ગુલાબભાઈ રોહિતે આ પત્રની નકલ ટ્રાફિક ઈન્ચાર્જને પણ સોંપી હોવાનું તેઓ જણાવે છે.