ભીડનો લાભ લઈ ચોરટાઓ બેફામ બન્યા હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં મોબાઈલ ફોન અને પાકિટ ચોરીના સાતેક જેટલા બનાવો બન્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.19: ચીખલીમાં નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે જૂના બસ સ્ટેન્ડનું ડિમોલીશન કરી આજ કેમ્પસમાં વૈકલ્પિક બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. રાજ્ય આંતર રાજ્ય અને સ્થાનિક બસોની સંખ્યાબંધ ટ્રીપોથી આ બસ સ્ટેન્ડ ધમધમતું રહે છે. પરંતુ આ વૈકલ્પિક બસ સ્ટેન્ડમાં પૂરતી જગ્યાનો અભાવે અવાર નવાર મુસાફરોની ભીડ થઈ જતી હોય છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ પુરતી વ્યવસ્થા ન હોય ચોર જેવા અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી જવા પામ્યો છે. ભીડનો લાભ લઇ ચોરટાઓ બેફામ બન્યા હોય તેમછેલ્લા એક સપ્તાહમાં મોબાઈલ ફોન અને પાકીટ ચોરીના સાતેક જેટલા બનાવો બન્યા છે. જોકે પોલીસ ચોપડે કોઈ બનાવ નોંધાયો નથી.
બુધવારના રોજ એક વિદ્યાર્થીની કોલેજમાંથી આવી ઉમરકુંઈ એસટી બસમાં બેસવા ગઈ ત્યારે તેના દફતરમાં મુકેલો મોબાઈલ ફોન ગાયબ થઈ જતા શોધખોળ બાદ પણ મળી ન આવતા ચોરાઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું આ ઉપરાંત મુસાફરોના પાકીટ ચોરવાના પણ અવારનવાર બનાવો બહાર આવી રહ્યા છે બસમાં ચડતી વખતે ભીડનો ગેરલાભ ઉઠાવી ખિસ્સા કાતરૂઓ આવી ચોરીને અંજામ આપતા હોય છે ત્યારે આવા બનાવોમાં લગામ કસવા માટે એસટી તંત્ર પોલીસ સાથે સંકલન સાંધી જરૂરી આયોજન કરે તે જરૂરી છે.