ફાટક ઉપર બસ ફસાયેલી જોતા ટ્રેન પાયલોટે સમય સુચકતા વાપરી ટ્રેન થોભાવી દીધી : ટ્રેન થોભી જતા મુસાફરોમાં જીવ આવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01
વલસાડથી હાઈવે તરફ જતા રોડ ઉપર આવેલ કોપરી ફાટક ઉપર આજે સોમવારે બપોરે દિલધડક દૃશ્યો સર્જાયા હતા. હાઈવે તરફથી આવી રહેલ બસ ફાટક ક્રોસ કરતા અચાનક રેલવે લાઈન ઉપર જ બંધ પડી ગઈ હતી. બીજી તરફ ટ્રેન આવી રહેલી જોતા મુસાફરોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. જો કે ટ્રેન પાયલોટે સમય સુચકતા વાપરીને ટ્રેન થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. 15 થી 20 મિનિટ ફિલ્મી શુટિંગ જેવા દૃશ્યો સર્જાયા હતા તો બીજી તરફ રેલવે પોલીસ અને એસ.ટી. સત્તાવાળા દોડતા થઈ ગયા હતા.
વલસાડ નજીક આવેલ કોપરી ફાટક અંકલેશ્વર તરફથી આવી રહેલ બસ નં.જીજે 18 ઝેડ 2971 બપોરે 12:40 કલાકે ક્રોસ કરી રહી હતી ત્યારે અધવચ્ચે રેલવે ટ્રેક ઉપર બસ બંધ પડી ગઈ હતી. બીજી તરફ સુરત તરફથી યશવંતપુરએક્સપ્રેસ ટ્રેન નિયત સમય મુજબ આવી રહી હતી. કટોકટી ભરી સ્થિતિ સર્જાતા બસના મુસાફરોએ કાગારોળ શરૂ કર્યો હતો. પરંતુ ટ્રેનના પાયલોટે સમય સુચકતા વાપરી ટ્રેનને થોભાવી દીધી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ધસી આવી હતી. ટ્રેન 15 મિનિટ થોભી હતી. બસને ફાટકથી બહાર કાઢી લેવાઈ તે દરમિયાન અડધો કલાક ટ્રાફિક સર્જાયો હતો. અંતે બધુ હેમખેમ પાર પાડતા બસના મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.