વલસાડ હાઈવે ઉપર અકસ્માતોની વણઝાર વણથંભી ચાલી રહી છે
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.02: વલસાડ હાઈવે ઉપર એક જ દિવસમાં બે ટેમ્પો જુદી જુદી જગ્યાએ પલટી મારી જતા બે અકસ્માત સર્જાયા હતા. જો કે બન્ને અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી.
વલસાડ હાઈવે ઉપર અકસ્માત અંગેની પનોતી ચાલી રહી છે. છેલ્લા 15 દિવસમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થયો હશે કે અકસ્માત ના થયો હોય. ગતરોજ સવારે પ્રથમ બનાવ વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ ઉપર પસાર થઈ રહેલો છોટા હાથી ટેમ્પો નં.જીજે 15 ઈવી 0519 ના ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર કુદીને પલટી મારી ગયો હતો. અકસ્માતમાં ચાલકને નાની મોટી ઈજા થઈ હતી. બીજો બનાવ બપોરે પારનેરા રામદેવ ધાબા સામે હાઈવે પર વાપી તરફથી માલ ભરીને આવી રહેલો આઈશર ટેમ્પો નં.એમએચ 09 6746 ના ચાલકે પણ કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ચાલક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો. બન્ને અકસ્માતના બનાવોને લઈ હાઈવે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પોલીસે ઘાયલોને સારવાર માટે ખસેડી ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડતા ટ્રાફિક નિયંત્રિત યથાવત કર્યો હતો.