માત્ર 8 ધોરણ ભણેલા કપરાડાના આદિવાસી મહિલાએ પશુપાલન થકી મહિને રૂા.1.63 લાખની કમાણી કરી મિશાલરૂપ બન્યા
ધોધડકૂવાની ડેરીમાં વર્ષે 57600 લીટર દૂધ ભરી રૂા.19.61 લાખ આવક મેળવી જિલ્લામાં પ્રથમ આવ્યા
ભારતીબેન કહે છે કે, પશુપાલનના વ્યવસાયમાં કરેલી મહેનત એળે નથી જતી, ખર્ચ બાદ કરતા બે પૈસાની બચત ચોક્કસ થાય છે
ગૌ માતાની સુવિધા માટે કોઢારમાં પંખા મુકયા, લપસી ન જાય તે માટે શીટ મુકી, દરેક ગાય માટે પાણીની અલગ કુંડી બનાવી
ઉનાળામાં દિવસમાં પાંચ વાર અને હાલમાં ત્રણ વાર ગાયને નવડાવીએ છીએ, ગાયનું છાણ અને ગૌમૂત્રથી ખેતી પણ સમૃધ્ધ બની
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: માત્ર ધો.8 ભણેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા ગામના આદિવાસી મહિલા પશુપાલન વ્યવસાય થકી ડેરીમાં રોજનું 160 થી 170 લીટર દૂધ ભરી મહિને રૂા.1 લાખ 63 હજારની કમાણી કરી રહ્યા છે. વર્ષે 57600 લીટર દૂધ ભરી રૂા.19,61,121ની આવક સાથે તેમણેજિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તેઓ જિલ્લાની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાષાોત બન્યા છે.
એક સમય એવો હતો કે, જયારે પશુપાલનના વ્યવસાયને ગૌણ તરીકે ગણવામાં આવતો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે, વધતા જતા દૂધના ભાવ વધારાને પગલે ઘર આંગણે પશુપાલનનો વ્યવસાય મહિને લાખો રૂપિયાની આવકનું માધ્યમ બન્યો છે. વલસાડ જિલ્લાના ગામડાઓમાં લોકો ધીમે ધીમે પશુપાલન વ્યવસાયથી દૂર થઈ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે પરંતુ કપરાડાના ધોધડકુવા ગામના નિશાળ ફળિયામાં રહેતા 50 વર્ષીય આદિવાસી મહિલા ભારતીબેન રમણભાઈ પટેલે આજના મોંઘવારીના જમાનામાં અનેક લોકો માટે રોજગારીની નવી મિશાલ ઉભી કરી છે.
પોતાની સફળતા પાછળના સંઘર્ષ અંગે ભારતીબેન જણાવે છે કે, મને પહેલાથી અબોલ જીવ પ્રત્યે લગાવ હતો, લગ્ન થયા બાદ પતિ રમણભાઈ સાથે પશુપાલનના વ્યવસાયમાં રૂચિ કેળવાઈ પરંતુ તે સમયે ગરીબીના કારણે એક ગાય ખરીદવા માટે પણ અમારી પાસે પૈસા ન હતા. જેથી દૂધ મંડળીમાંથી રૂા.40 હજારની લોન લઈ એક ગાય ખરીદી કરી પશુપાલનના વ્યવસાયમાં પા પા પગલી ભરી હતી. ધીમે ધીમે એકમાંથી બે અને ત્રણ ગાય થતી ગઈ અને આજે મારી પાસે કુલ 13 ગાય છે. જેમાં10 હોસ્ટેન, 2 જર્સી અને 1 ગીર ગાય છે. પશુ પાલનનો વ્યવસાય ઘણી મહેનત માંગી લે છે. હું અને મારા પતિ સવારે 5 વાગ્યે ઉઠી જઈને ગૌ માતાની સેવામાં લાગી જઈએ છે. તેઓ ઉપર જ અમારા આખા પરિવારનું જીવન નિર્ભર હોવાથી તેઓની તંદુરસ્તી અને સ્વચ્છતા અમારા માટે પહેલી પ્રાથમિકતા છે. 13 ગાયની માવજત માટે પાકી કોઢાર બનાવી છે. પગ લપસી ન જાય તે માટે રબરની શીટ પણ નીચે પાથરી છે. જગ્યા પર જ ચારો-પાણી મળી રહે તે માટે અલગ કુંડ બનાવી છે. હાલ ચોમાસાના સમયમાં પણ દિવસમાં 3 વાર તમામ ગાયો નવડાવીએ છે. ખાસ કરીને ઉનાળામાં તો દિવસમાં પાંચ વાર નવડાવવું પડે છે. આ સિવાય ગાય માતાને ગરમી ન લાગે તે માટે પંખા પણ મુકયા છે. બધાને એવુ લાગે કે, પશુ પાલનનો વ્યવસાય ઘણી મહેનત માંગી લે છે એ વાત સાચી છે પણ હકીકતમાં જોઈએ તો આ વ્યવસાયમાં કરેલી આપણી મહેનતને એળે નથી જતી. જેટલી મહેનત કરીએ તેટલી આવક પણ કમાવી આપે છે અને તેમાંથી બે પૈસાની બચત પણ થઈ શકે છે. આ વ્યવસાયની આવકમાંથી જ દીકરી અને દીકરાના લગ્ન કર્યા તેમજ પાકુ આરસીસી ઘર પણ બનાવ્યું છે. આમ, પશુપાલન વ્યવસાયથી ભારતીબેન તો આર્થિક રીતે પગભર થયા જ છે પરંતુ તેમનું દ્રષ્ટાંત અન્ય મહિલાઓ માટે પણપ્રેરણારૂપ છે.
ગાયને નવડાવવા પાણી મળી રહે તે માટે જનરેટર અને ખોરાક માટે કટર મશીન ખરીદ્યું
ખાનગી નોકરી છોડીને પશુપાલનના જ વ્યવસાયમાં ઝંપલાવનાર ભારતીબેનનો પુત્ર કેતન જણાવે છે કે, મમ્મી, પપ્પા હું અને મારી પત્ની મિનાક્ષી અમે ચારેય જણા ગૌ માતાનો નિયમિત ખોરાક – પાણી, રસીકરણ અને સફાઈનો સમય કદી ચૂકતા નથી. ગૌ માતાના ખોરાક માટે દર મહિને અંદાજે 60 કિલો ઘઉંનો ભૂસો, મકાઈ અને તુવરની ચુની અને કપાસ પાપડી તેમજ 5 ટન સૂકો-લીલો ચારો, શેરડી અને પુરતિયા ખરીદીએ છીએ. આમ મિશ્ર ખોરાકથી દૂધ સારુ મળે છે. શેરડી આખી ખવડાવી શકાતી નથી તેથી ટુકડા કરવા માટે કટર મશીન પણ ખરીદ્યું છે જેના વડે શેરડી અને ચારાને કાપીને ખવડાવીએ છે. ગાયને નવડાવવા માટે પૂરતુ પાણી મળી રહે તે માટે બેંકમાંથી લોન લઈ જનરેટર ખરીદ્યું છે. જેથી લાઈટ જાય તો પણ 24 કલાક પાણી મળી રહે. આ સિવાય ટ્રેકટર પણ ખરીદ્યું છે. ગૌમાતાનુ છાણ માટે ઉકરડો અને ગૌમૂત્ર સીધુ ખેતરમાં જાય તે રીતની વ્યવસ્થા કરી છે જેથી ખેતી પણ સમૃધ્ધ બની છે.