Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

ઝીરો કાર્બનના લક્ષ્યાંકને સિધ્‍ધ કરવા માટે ઈલેક્‍ટ્રીક વ્‍હીકલોનો ઉપયોગ કરીશું તો હવામાં કાર્બન ઉત્‍સર્જન ઘટશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

મુસાફરોની સુવિધા માટે કુલ 8000 નવી નક્કોર એસટી બસો ખરીદાશે, જેમાંથી 4000 બસ ખરીદી પણ લેવાઈ

પ્રજાની સુવિધામાં વધારો કરવાનો રાજ્‍ય સરકારનો ઉદેશ્‍ય સાર્થક થઈ રહ્યો છેઃ ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાના ઉમરગામમાં રૂ.330.09 લાખ ખર્ચે આર.સી.સી.ફ્રેમ સ્‍ટ્રકચરવાળા નવિન બસ સ્‍ટેશનનું બાંધકામ થનાર હોવાથી તા.09 માર્ચને શનિવારે રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્‍તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્‍યું હતું ત્‍યારથી ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદને નાબૂદ કરી વિકાસની રાજનીતિ શરૂ કરી હતી. ત્‍યારબાદ દેશનું સુકાન સંભાળતા આપણા દેશે વિકાસની જે ગતિ પકડી છે તે અભૂતપૂર્વ છે. ગુજરાત રાજ્‍યમાં મુસાફરોની સુવિધા માટે કુલ 8000 નવી નક્કોર એસટી બસો ખરીદાશે, જેમાંથી 4000 બસ ખરીદી પણ લેવાઈ છે. પીએમ ગતિ શક્‍તિ યોજના હેઠળ અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને વર્ષ 2070 સુધીમાં ઝીરો કાર્બન કરવા માટે આહવાન કર્યુ હતું. જે સંદર્ભે ભારત દેશમાં આ લક્ષ્યાંકને સિધ્‍ધ કરવા માટે જૂના વાહનો સ્‍ક્રેપ કરી ઈલેક્‍ટ્રીક વ્‍હીકલોનો ઉપયોગ વધારીશું તો હવામાં કાર્બન ઉત્‍સર્જન ઘટી જશે. હાલ વિકસિત દેશોમાં અમેરિકા અને ઈંગ્‍લેન્‍ડ કરતા આપણે આગળ છીએ અને વર્ષ 2030 સુધીમાં 500 ગીગા વોટ વીજળી રીન્‍યુએબલ કરીશું. કોરોના કાળમાં મફત અને વેક્‍સિન આપી લોકોના જીવ બચાવવાનું ભગીરથકાર્ય પાર પાડ્‍યું અને હાલમાં પણ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ફ્રી અનાજ મળી રહ્યું છે. વધુમાં તેમણે ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકરની રજૂઆતને ધ્‍યાનમાં લઈ ઉમરગામ તાલુકાને એસટી ડેપો મળે તે માટે પ્રયત્‍ન કરીશું એવી ખાતરી આપી હતી.
આ અવસરે ઉમરગામના ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું કે, આ નવા બસ સ્‍ટેશનનું નિર્માણ થવાથી ઉમરગામ તાલુકાની વિકાસ ગાથામાં પીછુ ઉમેરાયું છે. એસટી એ ગરીબ માણસનું સ્‍વ સાધન છે. જે ગામમાં એક હજારની વસ્‍તી હોય તે ગામમાં રાત્રિ દરમિયાન બસ હોલ્‍ટ કરે છે જેથી કોઈ ઈમરજન્‍સી હોય તો અડધી રાત્રે તેને પહોંચી વળાય. પ્રજાની સુવિધામાં વધારો કરવાનો રાજ્‍ય સરકારનો ઉદેશ્‍ય સાર્થક થઈ રહ્યો હોવાનું જણાવી વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દ્વારકા અને સોમનાથ સહિતના ધાર્મિક સ્‍થળોના દર્શન માટે એસટી નિગમ દ્વારા વિશેષ સુવિધા ઉપલબ્‍ધ કરાઈ છે. વધુમાં ધારાસભ્‍યશ્રીએ સામાજિક જવાબદારી કર્તવ્‍યના ભાગરૂપે એસટી નિગમ નિભાવી રહ્યું હોવાનું જણાવી કહ્યું કે, ઉમરગામ તાલુકામાં પાંચ લાખની વસ્‍તી છે. જેમાંથી 3.50 લાખ તો કામદારો છે. જેઓને ટ્રેન સાથે કનેકશન ધરાવતી એસટી બસો નિયમિત દોડે એ જરૂરી છે. આ સિવાય વિદ્યાર્થીઓને પાસમાં રાહત અપાતા ફાયદો થઈ રહ્યો છે.આ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દુમાડા, ઉમરગામ પાલિકા પ્રમુખ મનિષ રાય, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અલકાબેન શાહ, ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, એપીએમસીના ચેરમેન હર્ષદભાઈ શાહ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્‍પેશ દેસાઈ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, વલસાડ એસટી કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
ગુજરાતી પ્રાથમિક કેન્‍દ્ર શાળા અને કન્‍યા શાળા ઉમરગામની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીત રજૂ કર્યુ હતું. સ્‍વાગત પ્રવચન વલસાડ એસટીના વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલે કર્યુ હતું. જ્‍યારે આભારવિધિ એસટીના ડિવિઝનલ મિકેનિકલ એન્‍જિનિયર એન.એફ. સિંધીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફણસા વાડિયા હાઈસ્‍કૂલના શિક્ષિકા બીનાબેન પટેલે કર્યુ હતું.

નવા બસ સ્‍ટેશનમાં મુસાફરો અને કર્મીઓ માટે આ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાશે

આગામી 11 માસમાં તૈયાર થનારા આ નવીન બસ સ્‍ટેશન પર મુસાફર જનતા કર્મચારીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવશે. કુલ 3086.00 ચો.મી જમીન વિસ્‍તાર પર નિર્માણ થનાર આ બસસ્‍ટેશનમાં બાંધકામ વિસ્‍તાર 452.41 ચો.મી. છે. ચાર પ્‍લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્‍યવસ્‍થા માટેનો વેઈટીંગ હોલ, કંટ્રોલ રૂમ, સ્‍ટેન્‍ડ ઈન્‍ચાર્જ રૂમ, વોટર રૂમ, ઈલેક્‍ટ્રીક રૂમ, બે સ્‍ટોલ, ડ્રાઈવર કંડકટર માટે શૌચાલય સાથેનો રેસ્‍ટ રૂમ, મહિલા કર્મીઓ માટે લેડીઝ રેસ્‍ટરૂમ/ બેબી ફીડીંગ રૂમ શૌચાલય સાથે, મુસાફર જનતા માટેસ્ત્રી અને પુરૂષ શૌચાલય, સરકયુલેશન વિસ્‍તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફલોરીંગ અને વિકલાંગ વ્‍યક્‍તિઓ માટે સ્‍પે. પ્રકારના શૌચાલય તથા સ્‍લોપીગ રેમ્‍પની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપો સામે ગેરકાયદે આડેધડ રીક્ષા પાર્કિંગના કારણે સર્જાતો ટ્રાફિકજામ

vartmanpravah

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment