કોન્સ્ટેબલ મહેશ ગોપાળભાઈ ગીધેના કરુણ મોતથી પોલીસ બેડા અને પરિવારમાં શોક છવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ અબ્રામામાં રહેતા અને પારડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઘરેથી સવારે પારડી ફરજ ઉપર જવા બાઈક ઉપર નિકળ્યા હતા. ત્યારે વલસાડ સુગર ફેક્ટરી પાસે કન્ટેનરે કોન્સ્ટેબલની બાઈકને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશાસ્પદ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. બનાવને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો.
કરુણ અકસ્માતની વિગતો મુજબ વલસાડ અબ્રામા આર.એન. રેસિડેન્સીમાં રહેતા મહેશભાઈ ગોપાળભાઈ ગીધે પારડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવો હતો. આજે બુધવારે સવારે રાબેતા મુજબ તેમની બાઈક નં.જીજે 15 ડીએન 1125 લઈ પારડી ફરજ ઉપર જવા નિકળ્યા હતા. વાપી તરફ જતા હાઈવે ઉપર વલસાડ સુગર ફેક્ટરી પાસેથી મહેશભાઈ પસાર થતા હતાત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલ કન્ટેનર નં.જીજે 05 સીડબલ્યુના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોન્સ્ટેબલ મહેશભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ પોલીસ બેડાને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહેશભાઈના પરિવારમાં પોતે જ કમાવનાર હોવાથી ઘરનો આધાર અકાળે છીનવાઈ જતા પરિવાર ઉપર આફત તૂટી પડી હતી. પરિવારમાં બનાવથી ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

