1999 અને 2004ની લોકસભા ચૂંટણીમાં મોહનભાઈ ડેલકર અપક્ષ તરીકે વિજેતા બન્યા હતા, પરંતુ સમયસર કોઈ એક પક્ષને ટેકો આપવા વિલંબ કરતા બંને વખત ગુમાવી હતી અણમોલ તક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: કેન્દ્રમાં જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહીં મળી હોય પરંતુ પાતળી સરસાઈ સાથે સરકાર બનાવી શકવાની સ્થિતિમાં હોય ત્યારે અપક્ષ ચૂંટાયેલા સાંસદો સમયસર યોગ્ય નિર્ણય લેવા નિષ્ફળ જાય છે ત્યારે તેઓ કાયમના માટે તક ચૂકી જતા હોવાનો ઇતિહાસ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના તત્કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે 1999ની ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજેતા બન્યા બાદ એન.ડી.એ.ને સમયસર ટેકો જાહેર કરવા થાપ ખાધી હોવાની સામાન્ય માહિતી છે. 1999માં વાજપેયી સરકારના ગઠન બાદ શ્રી મોહનભાઈ ડેલકરે એન.ડી.એ.ને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ 2004માં પણ શ્રી મોહનભાઈ ડેલકર કોંગ્રેસની યુપીએ સરકારને સમયસર ટેકો જાહેર કરી નહીં શક્યા હતા. પાછળથી તેમણે યુ.પી.એ. સરકારને પોતાનો ટેકો આપ્યો હતો. પરંતુ સમયસર ટેકો આપવાની તક ચૂકી જતાં ખુબ જ સિનિયર સાંસદ હોવા છતાં શ્રી મોહનભાઈ ડેલકર જીવનપર્યંત મંત્રી પદથી વંચિત રહ્યા હતા. જેની ખોટ દાદરાનગર હવેલીને પણ પડી રહી છે.