(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણ જિલ્લાની વિવિધ શાળાઓમાં શનિવારે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દમણવાડાની બાળગંગાધર તિલક શાળામાં ડેપ્યુટી કલેક્ટર શ્રી રાહુલ દેવ બુરા અને દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બાળકોને તિલક લગાવી આનંદ અને ઉત્સાહ સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી રાહુલ દેવ બુરાએ શિક્ષકોને એક ચિનગારી બનવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે સાથે બાળકોની સુષુપ્ત શક્તિ ખિલે તે માટે એક તણખો બની જ્યોત પ્રગટાવવા સમજ આપી હતી. તેમણે પોતાના બાળપણના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, અમારા સમયે આવી કોઈ વ્યવસ્થા નહીં હતી. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને બાળકોને વાજતે-ગાજતે પ્રવેશ કરાવવાની શરૂ કરેલી પરંપરાની ખુબ પ્રશંસા કરી હતી. તેમણે દમણવાડા શાળામાં રમત-ગમતના ગ્રાઉન્ડની સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કરવા પણ હૈયાધરપત આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજે પ્રવેશ લઈ રહેલા બાળકો પોતાના ભાવિ ઘડતરનો પાયો નાંખી રહ્યા છે. તેમણે વાલીઓને પણ સજાગ રહી પોતાના સંતાનોને અભ્યાસમાં રૂચિ લેતા કરવાસલાહ આપી હતી અને પ્રદેશમાં મોદી સરકારના શાસનકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે પ્રદેશમાં થયેલ પ્રગતિની જાણકારી પણ આપી હતી.
આ પ્રસંગે શાળાના ગુજરાત બોર્ડના રિઝલ્ટમાં ટોપ આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરાયા હતા અને પ્રવેશ લેતા બાળકોને સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ-મોજાં, કંપાસબોક્સ તથા પાઠયપુસ્તકોની કિટ પણ ભેટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા બાળ ગંગાધર તિલક હાયર સેકન્ડરી સ્કૂલ દમણવાડાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી હરેન્દ્ર પાઠકના નેતૃત્વમાં તમામ શિક્ષકો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.