(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: પાવાગઢ યાત્રાધામમાં આવેલ જૈન દેરાસરમાં ભગવાનની પ્રતિમાઓ ખંડિત કરી અસ્ત-વ્યસ્ત કરવાની બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અને રોષ ગુજરાતભરના જૈન સમાજમાં પ્રસરી જવા પામ્યો હતો. એ અનુસંધાનમાં આજે વલસાડમાં શ્રી સમસ્ત જૈન સમાજ દ્વારામહારાજ સાહેબ ગુરુ ભગવંતોની આગેવાનીમાં જૈન અગ્રણીઓ વલસાડ કલેક્ટરમાં આવેદનપત્ર પાઠવી કૃત્યને વખોડી કાઢવા સાથે પોતાનો રોષ જણાવ્યો હતો.
પાવાગઢમાં જૈન મૂર્તિઓની તોડફોડ અને છિન્ન ભિન્ન કરવાની ઘટેલી ઘૃણાસ્પદ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં પડયા છે. તે અંતર્ગત વલસાડમાં આજે રામવાડી દેરાસરથી સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ મહારાજ સાહેબની આગેવાનીમાં ચાલતા ચાલતા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને પાવાગઢની ઘટનાને વખોડી કાઢી વિરોધ કર્યો હતો. આ પ્રસંગે મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, સમાજના દરેક ધર્મ સંપ્રદાયએ એકબીજાને શ્રધ્ધા ભક્તિનું સન્માન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાલીતાણામાં માંસાહાર અંગે વિવાદ થયો હતો. જો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જૈન હોવાથી મામલાની ગંભીરતાની નોંધ લઈ પાવાગઢમાં મૂર્તિઓને યથાવત પ્રસ્થાપિત કરાવી છે. જૈન સમાજના યાત્રાધામ પાવાગઢ હોય કે પાલીતાણામાં ક્યારેક જે ઘટના નિંદનીય છે.
