પહેલાં દિવસે વિવિધ સડકોનું નિર્માણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય સુવિધાઓનો વિકાસ અને શિક્ષણ સંબંધિત કામોનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશ સાથે આપેલું માર્ગદર્શન
પ્રશાસકશ્રીની મુલાકાતનો ઉદ્દેશ જિલ્લામાં ચાલી રહેલ વિકાસ પરિયોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન અને તેના પ્રભાવને સમજવા સાથે સંબંધિત અધિકારીઓ સાથે પરિયોજનાઓની ગુણવત્તા તથા સમયમર્યાદાની બાબતમાં પણ મેળવેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આજથી પ્રારંભ થયો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ નિર્ધારિત સમયે પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં પોતાની મુલાકાતનો કાર્યક્રમ ગોઠવી કાર્યાન્વિત વિવિધ પ્રોજેક્ટોનું બારિકાઈથી નિરીક્ષણ કરવાની સાથે સ્થળ ઉપર જ અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સાથે સમીક્ષા પણ કરતા રહે છે. જેના કારણે પ્રોજેક્ટોની ગુણવત્તા સાથે બાંધછોડ કરવાની કોઈ ભાગ્યે જ હિંમત કરી શકે છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે વિવિધ સડકોનું નિર્માણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય સુવિધાઓનો વિકાસ અને શિક્ષણ સંબંધિત કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. સવારેજૂનું કલેક્ટરાલય, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સચિવાલય બિલ્ડીંગ, જૂની દીવાદાંડી, પક્ષીઘર(એવીએરી), જમ્પોર ઘાટ એક્સટેન્શન, વારલીવાડ, જમ્પોર જંક્શનથી ઢોલર જંક્શન સુધીના રોડનું નિર્માણ, પરિયારી પંચાયત ઘર અને ઢોલર જંક્શનનું નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બપોરના સમયે ફૂટબોલ ગ્રાઉન્ડના સૌંદર્યકરણનું કાર્ય, ફૂટબોલ ગ્રાઉન્ડ નજીકના નગરપાલિકાના માર્ગનું કાર્ય, કચીગામ સ્કૂલ, કચીગામ ચાર રસ્તા જંક્શન, કચીગામ ચાર રસ્તાથી સોમનાથ જંક્શન સુધીના રોડનું કાર્ય, કલારિયાથી ડાભેલના રોડનું કાર્ય, ડી-માર્ટથી દાભેલ સુધીની પાણીની આપૂર્તિની લાઈન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, દાભેલ ચેકપોસ્ટ રીંગણવાડાથી કચીગામ તળાવ સુધીનો માર્ગ, રીંગણવાડા પંચાયત ઘર, વરકુંડ સ્કૂલ તથા દમણ ક્લબનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રશાસકશ્રીની મુલાકાતનો ઉદ્દેશ જિલ્લામાં ચાલી રહેલ વિકાસ પરિયોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન અને તેના પ્રભાવને સમજવાનું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે પરિયોજનાઓની ગુણવત્તા તથા સમયમર્યાદાની બાબતમાં પણ જાણકારી મેળવી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અધિકારીઓને દરેક પરિયોજનાઓની નિયમિત મુલાકાત લઈ તેની સમીક્ષા કરવા અને કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો તાત્કાલિક તેનું સમાધાનલાવવા તાકિદ કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે સમર્પિત બની પોતાની જવાબદારીની ભાવના સાથે સ્વયં કાર્ય કરતા હોવાથી પ્રદેશના થતા વિકાસકામોની ક્વોલીટી તેની પ્રતિતિ કરાવે છે. પ્રશાસકશ્રીની મુલાકાતથી સ્થાનિક લોકોમાં પણ વિકાસની ગતિ જળવાઈ રહેશે એવો વિશ્વાસ અને હકારાત્મકતાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે.