રજાના દિવસે કામ પર બોલાવી બીજા દિવસે એન્ટ્રી નહોતી અપાતી : મામલો વધુ વણસી જતા લેબર ઓફીસર ધસી આવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વાપી જીઆઈડીસી સી.જે. ટાઈપ વિસ્તારમાં આવેલ એલ્યુર ગિફટ રેપ્સ કંપનીમાં ફરજ બજાવતી 400 જેટલી મહિલાઓએ કંપની વિરૂધ્ધ હંગામો મચાવી દીધો હતો. મામલો વધુ વણસી જતા લેબર ઓફિસર કંપનીમાં ધસી આવીને દરમિયાનગીરી કરી હતી.
કંપનીમાં અંતરિયાળ વિસ્તારની 400 જેટલી મહિલા કામદારો ફરજ બજાવી રહી છે. કંપની રવિવારની રજાના દિવસે ફરજ ઉપર બોલાવીને કામ કરાવતી પરંતુ બીજા દિવસે કંપની એન્ટ્રી નહોતી આપતી તેથી ગત રવિવારે મહિલાઓ કામ ઉપર આવી જ નહોતી. જેને લઈને હંગામો મચી ગયો હતો. મહિલાઓ મક્કમ બની કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ કંપની ગેટ સામે પોતાની હક્ક રજા અને વધારાના પગાર મામલે આક્રોશ ઠાલવ્યો હતો. કામદારોની હડતાલની જાણ થતા વાપીલેબર ઓફિસર તાત્કાલિક કંપનીમાં પહોંચ્યા હતા. મહિલા કામદારોએ સંચાલકો તરફથી કરવામાં આવતી મનમાની અંગે આક્રોશ સાથે રજૂઆત કરતા લેબર ઓફિસરે સંચાલકોનો ઉધડો લીધો હતો. બીજી તરફ સંચાલકોએ લેબર ઓફિસર સાથે પણ મનમાની કરી હતી. બાદમાં કામદારોની પગાર-ભથ્થાની વિગતો માગતા કંપનીની શાન ઠેકાણે આવી હતી તેમજ નિયમોનું પાલન કરવાની ખાત્રી આપતા હડતાલ સમેટાઈ હતી.