(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: અંતરીયાળ કપરાડા વિસ્તારમાં માંડવા ગામે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજે બેદરકારીનો બનાવ બન્યો હતો. ગ્રામ્ય વિસ્તારના એક કિશોરને એક્સપાયરી ડેટની દવા પકડાવી દેતા ચકચાર મચીજવા પામી હતી.
થોડા સમય પહેલાં ધરમપુર વિસ્તારમાં દુકાનોમાં એક્સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો વેચાણ થતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ફરી વાર આજે કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટની દવા દર્દીને પકડાવી દીધાની ચોંકાવનારી હકિકતો સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારનો 11-12 વર્ષનો કિશોર બિમારી અંગે આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા ગયો હતો. ત્યાં કિશોરને એક્સપાયરી ડેટની દવા આપી દેવાઈ હતી. કિશોર ઘરે આવ્યો ત્યારે ગામના જાગૃત નાગરિકે દવાની તપાસ કરી તો દવા એક્સપાયરી ડેટની હતી. તેથી હોબાળો મચી ગયો હતો. આ બાબતનો માંડવા આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબ ડો.દર્શનાએ પણ સ્વિકાર કર્યો હતો. સવારે દર્દીઓની ભીડ હતી. ફરજ પરના ફાર્મસિસ્ટ અન્ય કામે બહાર ગયેલા હતા તે દરમિયાન નર્સે ભૂલથી દર્દીને દવા આપી દીધી હતી. અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય બાબતે કેવી બેદરકારી ચાલતી હશે એ આજની ઘટનાએ સાબિત કર્યું છે.
