સવારના 08:00 વાગ્યાથી દાનહ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ‘‘સ્વચ્છતા અભિયાન” અંતર્ગત કરાયેલી સાફ-સફાઈ


(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અને દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રી પ્રિયંક કિશોરની અધ્યક્ષતામાં, દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અને સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા મહાત્મા ગાંધીજીની 155મી જન્મજયંતિ નિમિત્તે આજે 02 ઓક્ટોબર,2024ના રોજ સવારે 08:00 કલાકે દાદરા નગર હવેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં, જિલ્લાના મુખ્ય અધિકારીઓને ગ્રામ પંચાયતો/સેલવાસ નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં દાદરા નગર હવેલીના કલેક્ટર, મદદનીશ કલેક્ટર, ઉપ-કલેક્ટર, જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી, સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસરનો સમાવેશ થાય છે.
મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લાપંચાયત દાદરા નગર હવેલી દ્વારા આર્ટ સેન્ટર સેલવાસ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે સ્વચ્છતા પખવાડા દરમિયાન સારી કામગીરી કરનાર પંચાયતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાનહ જિ.પં. અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, નિવાસી નાયબ કલેક્ટર(સેલવાસ) શ્રી અમિત કુમાર, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરુણ ગુપ્તા, સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદે, વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજસિંહ પરમાર, અને તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ સરપંચો, તમામ વોર્ડ સભ્યો, ગ્રામ પંચાયતોના પંચાયત મંત્રી, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘‘સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ હેઠળ, 17/09/2024થી 02/10/2024 સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે તમામ પાણી સમિતિઓ પાસે મેગા સ્વચ્છતા અભિયાન, એક પેડ માના નામે વૃક્ષારોપણ અભિયાન, કચરાનો નિકાલ. અભિયાન સંપદા કલા અભિયાન, સફાઈમિત્ર સુરક્ષા શિબિર અને તમામ સફાઈ મિત્રો માટે આરોગ્ય કેમ્પ, સ્વચ્છતા મેરેથોન, સ્વચ્છતા સાયક્લોથોન, તમામ સરકારી કચેરીઓમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન, તમામ સમુદાય/જાહેર શૌચાલયોની જાળવણી અને સમારકામની પ્રવૃત્તિઓ, SBM સ્પોર્ટ્સ લીગ આંતર ગ્રામ પંચાયત વોલીબોલ અને ફૂટબોલ ટુર્નામેન્ટ, વિશ્વ પ્રવાસન દિવસ 2024 પર સ્વચ્છતા અભિયાન, જાહેર સભાઓ/ગ્રામસભાઓ, તમામ ઓળખાયેલ સ્વચ્છતા લક્ષ્ય એકમો, સાઇટ્સની સફાઈ અને પરિવર્તન કાર્ય પૂર્ણ કરીને, સ્વચ્છતા લક્ષ્ય એકમો અને તમામ જાહેર સ્થળોએ સામૂહિક સફાઈ અભિયાનના માધ્યમથી સ્વચ્છ ભારત દિવસ મનાવાયો હતો.
આ સાથે આજે 02 ઓક્ટોબર,2024ના રોજ દાદરા નગર હવેલીની તમામ 20 ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) હેઠળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દાદરા નગર હવેલીની તમામ 20 ગ્રામ પંચાયતોમાં બપોરે 03:00 વાગ્યાથી યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા પંચાયતના સદસ્યો, તમામ સરપંચો, વોર્ડ સભ્યો, પંચાયતના મંત્રીઓ, ગ્રામજનોએ ભાગ લીધો હતો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાને લગતી વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરી પોતાના સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા જેથી પંચાયત વિસ્તારનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરી શકાય.

