વધુ રૂપિયાની લાલચમાં એજન્સી દ્વારા હોટલો, રેસ્ટોરન્ટ, ઢાબાઓને મૂળ કિંમત કરતા વધુ ભાવે બારોબાર ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડર વેચી દેવાતા હોવાની ગ્રાહકોની ફરિયાદઃ પ્રશાસન એજન્સીને સબક શિખવાડે એવી ઉઠેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસનાઆમલી ગાયત્રી મંદિર ગ્રાઉન્ડ નજીક આવેલ એચ.પી. ગેસની ગાયત્રી ગેસ એજન્સી દ્વારા રાંધણ ગેસના સિલિન્ડરની ડિલિવરી સમયસર નહીં કરાતા ગ્રાહકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના આમલી ગાયત્રી મંદિર ગ્રાઉન્ડ નજીક એચ.પી. ગેસની એજન્સી ગાયત્રી એજન્સીના નામે ચાલે છે. આ એજન્સી દ્વારા ગ્રાહકો પાસે સિલિન્ડરની કિંમત અને ગેસની પાસબુક લઈ લેવામાં આવે છે અને આખો દિવસ રાહ જોવડાવે છે. આવી રીતે છેલ્લા ત્રણ દિવસથી ગ્રાહકોને ધક્કો ખવડાવી રહ્યા છે છતાંપણ સિલિન્ડર આપવામાં આવતા નથી.
કંપનીઓમાં નાઈટમાં નોકરી કરી આખો દિવસ એજન્સી બહાર ઉભા રહી સિલિન્ડર મળવાની રાહ જોતા હોય છે, તો કેટલાક ગ્રાહકો નોકરી પરથી રજા લઈને સિલિન્ડર માટે આવતા હોય છતાંપણ તેઓને સિલિન્ડર આપવામાં આવતા નથી. આ ફક્ત સેલવાસના જ નહિ દાદરા પીપરીયાથી પણ ગ્રાહકો આવે છે. આ ગ્રાહકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ એજન્સી વધારે નફાની લાલચમાં હોટલો અને રેસ્ટોરન્ટમાં બ્લેકમાં સિલિન્ડર વેચી દે છે અને ગ્રાહકો દ્વારા સિલિન્ડર બુક કરાવવા છતાંપણ તેઓને સિલિન્ડર મળતો નથી. તેથી ગ્રાહકો દ્વારા પ્રશાસનને અપીલ કરી છે કે તાત્કાલિક અસરથી આ સમસ્યાનું સમાધાનકરવામાં આવે અને લેભાગૂ એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.