(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા રીંગણવાડાના અંગ્રેજી માધ્યમના વરિષ્ઠ શિક્ષિકાઓ શ્રીમતી રંજનબેન સી. પટેલ અને શ્રીમતી રેખાબેન આર. પટેલે 2જી ઓક્ટોબરના બુધવારે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી હતી. આ અવસરે શાળાના ઈન્ચાર્જ મુખ્ય શિક્ષક શ્રી વિરેન્દ્રભાઈ પટેલ, શાળાનો શિક્ષક સ્ટાફ, શાળાનો બિન શૈક્ષણિક સ્ટાફ, નિવૃત્તમાન શિક્ષિકાઓના પરિવારના સભ્યો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા અને બંને શિક્ષિકાઓને શુભેચ્છાઓ અને વિશેષ સન્માન સાથે વિદાય આપી હતી. આ શુભ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ માતા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રીમતી રક્ષાબેન તળેકરે સેવા નિવૃત્તિ લઈ રહેલા શિક્ષિકા શ્રીમતી રંજનબેન પટેલની શિક્ષક તરીકેની 34 વર્ષની સેવાનો પરિચય આપતાં તેમનો અનુભવ રજૂ કર્યો હતો. તેમજ શાળાના શિક્ષિકા શ્રીમતી નીતાબેન પટેલે સેવા નિવૃત્તિ લઈ રહેલ શિક્ષિકાશ્રીમતી રેખાબેન પટેલની સેવા વિશે પરિચય આપતાં પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
શાળાના ઈન્ચાર્જ મુખ્ય શિક્ષક શ્રી વીરેન્દ્રભાઈ પટેલે નિવૃત્ત થતાં બંને શિક્ષિકાઓના કાર્ય પ્રત્યેના સમર્પણ, તેમના અનુભવો, બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી દર્શાવી અને તેઓને સુખી અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી. ઉપસ્થિત રહેલા બંને શિક્ષિકાઓએ તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆતથી લઈને આજ સુધીના તેમના શાળાના અનુભવો સાથે તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યની રૂપરેખા આપી હતી અને તેની સફળતામાં સાથ અને સહકાર આપનાર તમામ લોકોને યાદ કરીને સૌનો આભાર માન્યો હતો. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત અનેક શુભેચ્છકોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.
આ પ્રસંગે શાળાના શિક્ષક સ્ટાફ ભાવિશા, અથીરા, જયશ્રીબેને પોતાના અનુભવો રજૂ કર્યા હતા. શાળાના તમામ સ્ટાફ, નોન-ટીચિંગ સ્ટાફ, આમંત્રિત મહેમાનો, પરિવારજનો અને મિત્રોએ શ્રીમતી રંજનબેન અને શ્રીમતી રેખાબેનને સ્મૃતિચિહ્ન ભેટ અને પુષ્પાનો છોડ અર્પણ કરીને સુખી અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન કરનાર શાળાના શિક્ષકો શ્રી પ્રિયેશભાઈ, શ્રીમતી હિરલબેન અને શ્રી યજ્ઞેશભાઈએ બંને શિક્ષિકાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં તમામ સ્ટાફશિક્ષકોએ બંને શિક્ષકોને અશ્રુભીની આંખે વિદાય આપી અને સ્વસ્થ અને સુખી જીવનની કામના કરી હતી.