વાઘછીપાના સરપંચના મોબાઇલમાં વોટ્સઅપ ગ્રુપમાં આવેલ ફોટા જોતા અકસ્માતની જાણ થઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.22: કપરાડાના માની ચીચપાડા મશિયા ફળિયા ખાતે રહેતા પ્રદીપભાઈ મોહનભાઈ ગહલા પોતાના બનેવી રાકેશ સાથે વાઘછીપાના સરપંચ સુરેશભાઈના ઘરે રહી ભાત (ડાંગર) કાપવાની મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
તારીખ 21.10.2024 ના રોજ વાઘછીપાના સરપંચ સુરેશભાઈના મોબાઈલના વોટ્સઅપ ગ્રુપમાં અકસ્માતના ફોટા આવતા સરપંચ સુરેશ ભાઈએ આ ફોટા પોતાના ઘરે રહી મજૂરી કામ કરતા પ્રદીપભાઈતથા એમના બનેવી રાકેશને ફોટા બતાવતા તેઓએ ફોટા જોઈ પ્રદીપએ પોતાના કાકાના છોકરા દિલીપભાઈ ખંડુભાઈ ગહલા હોવાનું જણાવતા સરપંચ સુરેશભાઈ બંને મજૂરોને લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પારડી તાલુકાના નેવરી દેસાઈ ફળિયા ખાતે પારડીથી નાનાપોંઢા જતા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે દિલીપભાઈ ખંડુંભાઈ ગહલા રહે.કપરાડા માની ચીચપાડા મશીયા ફળિયાને ટક્કર મારી ભાગી જતા દિલીપભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સ્થળ પર પહોંચેલા કાકાના છોકરા પ્રદીપએ આ અકસ્માત અંગેની જાણ પોતાના પરિવારજનોને કરી લાશને પીએમ માટે પારડી સીએચસી ખાતે લાવી આ અંગેની અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ પારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.

