(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકામાં સેવા સદનમાં પુરવઠા શાખામાં રેશનકાર્ડની કામગીરીના નિયત કરાયેલા દિવસે જ નાયબ મામલતદાર લાંબો સમય સુધી કચેરીમાં ઉપસ્થિતિ ન રહેતા ભીડ થવા સાથે અરજદારોએ હાલાકી વેઠવાની નોબત આવી હતી. પુરવઠા શાખા કચેરીએ પ્રજાજનોની લાંબી કતાર લાગી છતાં શ્રીમાન શ્રીમહાસય નાયબ મામલતદારશ્રીની ખુરશી લાંબા સમયથી ખાલી દેખાતાં પ્રજાનો ગુસ્સો સાત્વા આસમાને છે એવામાં શ્રીમાન કયાં લુપ્ત થયા એની જાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારશ્રીને પણ નહિ ખબર.
ચીખલીમાં સેવા સદનમાં પુરવઠા શાખામાં રેશનકાર્ડમાંનામ ઉમેરવા, કમી કરવા, સુધારવા સહિત રેશનકાર્ડને લગતી કામગીરી બુધવારના રોજ કરવામાં આવે છે. જેને લઈને દર બુધવારે અરજદારોનો ધસારો રહેતો હોય એ સ્વાભાવિક છે. પરંતુ ગત રોજ એટલે કે બુધવારના દિવસે પુરવઠા શાખાના નાયબ મામલતદારની ખુરશી લાંબા સમય સુધી ખાલી જોવા મળી હતી. અને એક સમયે અરજદારોની ભીડ વધી જતાં અને અરજદારોએ લાંબા સમય સુધી ઉભી રહેવાની સ્થિતિ ઉભી થતા અરજદારોમાં પણ કચવાટ ફેલાયો હતો. પુરવઠા શાખાનો અધિકારી મોટાભાગે મોબાઈલમાં જ વ્યસ્ત રહી અરજદારોને યોગ્ય જવાબ પણ ન આપતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ખાસ કરીને બુધવારના દિવસે કચેરીમાં હાજર રહી અરજદારોને હાલાકી ન પડે અને ઝડપભેર લોકોના કામોનો નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ પરંતુ આ અધિકારીને લોકોના કામમાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિક દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. જોકે ગરીબ અને મધ્યમવર્ગ સાથે સીધું જોડાણ ધરાવતી પુરવઠા શાખામાં પ્રજાલક્ષી અભિગમ વાળા અધિકારીની નિયુક્તિ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તે જરૂરી છે.
મામલતદાર રોશનીબેન પટેલનો પુરવઠા શાખામાં ફરજ દરમ્યાન નાયબ મામલતદારની ગેરહાજરીબાબતે સંપર્ક કરતા તેમણે કલેક્ટર કચેરીમાં મિટિંગમાં હતી. અને આ બાબતે હું તપાસ કરાવી લઉં છું એમ જણાવ્યું હતું.