એક દિવસ પહેલા દિપડાએ પશુઓના વાડામાં બકરાનું મારણ કરેલું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં હિંસક પશુઓ ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાં અવાર નવાર આવીને લોકોમાં ભયનો માહોલ ઉભા કરતા રહે છે તેવી ઘટના ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં બની હતી.
ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં એક દિવસ પહેલાં કદાવર દિપડો આવ્યો હતો. દિપડાએ પશુઓના વાડામાં એક બકરાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા લોકોએ સરપંચને જણાવ્યું હતું. સરપંચએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે હનુમતમાળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં દિપડાની અવર જવરના ચિન્હો જોવા મળતા તાત્કાલિક પાંજરૂ ગોઠવ્યું હતું. રાબેતા મુજબ બીજા દિવસે શિકારી દિપડો ફરી શિકાર કરવા ગામમાં આવતા પાંજરામાં પુરાઈ ગયો હતો. પાંજરામાં દિપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.