(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત આજે છઠ્ઠા દિવસે ખુબ જ આનંદ, ઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
‘જનજાતિય ગૌરવ દિવસ’ના કાર્યક્રમ હેઠળ શિક્ષકોએ શાળાઓમાં પ્રસિદ્ધ સ્થાનિક આદિવાસી ઉપલબ્ધિ પર આધારિત નાટકનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવી હતી.
વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી કે, ભગવાન બિરસા મુંડા એક ભારતીય આદિવાસી સ્વતંત્રતા સેનાની અને મુંડા જનજાતિના લોક નાયક હતા. તેમણે બ્રિટિશ રાજ દરમિયાન 19મી સદીના અંતમાં ઝારખંડમાં થયેલા આદિવાસી ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેનાથી તેઓ ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ બન્યા. આ નાટકને નિહાળીને વિદ્યાર્થીઓએ જનનાયક ભગવાન બિરસા મુંડાજીના જીવન-કવનને જાણવાની ખુબ જ રૂચિ દેખાડી હતી.
આજે આયોજીત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને તેમની સફળતાની વાતો જણાવવા સ્થાનિક આદિવાસી ઉપલબ્ધિકર્તાઓ દ્વારા સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.