દારૂ-બિયરની કુલ 6,78,773 નંગ બોટલનો જથ્થો નાશ કર્યો : નાશથી ચારે તરફ આલ્કોહોલની તિવ્ર વાસ ફેલાઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસે વિવિધ 8 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ દારૂનો જથ્થો નાશ કર્યો હતો. કાર્યવાહીમાં કુલ 8,37,77,814રૂપિયાનો કુલ 6,78,773 નંગ બોટલ ઉપર પોલીસે રોલરો ફેરવી દારૂનો જથ્થો નાશ કર્યો હતો.
વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર, સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીને જોડતો સરહદી જિલ્લો હોવાથી આ વિસ્તારમાં મોટાપાયે દારૂની હેરાફેરી બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. પોલીસ તવાઈ કરી બુટલેગરોની ધરપકડ કરે છે. તેવી પ્રોહિબિશનની કાર્યવાહીમાં જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી, ડુંગરા, ઉમરગામ, ભિલાડ, મરીન વાપી રેલવે, ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, વલસાડ સીટી અને રૂરલ મળી પોલીસે 6,08,773 નંગ બોટલો ઉપર રોલર ફેરવ્યુ હતું. કુલ 8,37,77,814 રૂપિયાના માતબર કિંમતનો દારૂનો જથ્થો આજે નાશ કરાયો હતો. આ જથ્થો જિલ્લાના કુલ 13 પોલીસ મથકોનો હતો. તમામ જપ્ત કરાયેલ કરોડો રૂપિયાના દારૂનો જથ્થો ટ્રક, છોટા હાથી જેવા વાહનોથી ભિલાડ ચેક પોસ્ટ પાસે લાવવામાં આવ્યો હતો. જેને જેસીબી ફેરવી નાશ કરાયો. જિલ્લા એસ.ડી.એમ., ડી.વાય.એસ.પી. તમામ 13 પો.સ્ટે.ના પી.આઈ. પી.એસ.આઈ. અને પોલીસ કર્મચારીઓ કાર્યવાહીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ જથ્થો વર્ષ તા.1-11-2023 થી તા.31-10-2024 સુધીનો નાશ કરાયો હતો. નાશ કરવાની કામગીરી દરમિયાન આલ્કોહોલની તિવ્ર વાસ ચારે તરફ ફેલાઈ જવા પામી હતી.

