(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.16
ચીખલીના જાણીતા તબીબ હોસ્પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીની અમી હોસ્પિટલના તબીબ રાજેશભાઇ લાલજીભાઈ પટેલ (ઉ.વ-56) (રહે.દેવદર્શન સોસાયટી સમરોલી તા.ચીખલી) 15-માર્ચ મંગળવારના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં સમરોલી નેશનલ હાઇવે સ્થિત તેમની હોસ્પિટલમાં ગયા હતા અને બપોરે ધરે આવી જમીને આરામ કરીને ફરી પાંચેક વાગ્યે હોસ્પિટલમાં ગયા હતા.
બાદમાં સાંજે નવેક વાગ્યા સુધીમાં પરત ન ફરતા મોબાઈલ ફોન પણ બંધ આવતા તેમના દીકરાએ અમી હોસ્પિટલ પર જઇ સીસીટીવી ફૂટેજ તપાસતા ડો.રાજેશભાઇ પટેલ સવા આઠેક વાગ્યે ચાલવા માટે નીકળ્યા હતા.અને તરત ફરી હોસ્પિટલમાં આવી તેમની ટોયોટા ઇટિયોસ કાર નં.જીજે-21-એએ-3845 લઈને કયાંક જતા જણાઈ આવેલ બાદમાં સગાસંબંધી અને મિત્રોના ધરે તપાસ કરતા તેઓ મળી આવેલ નહિ. તેઓ રંગે શ્યામવર્ણ અને આશરે ઊંચાઈ પાંચ ફૂટ સાત ઇંચ છે. શરીરે સફેદ તથા ભુરિપટ્ટી વાળો શર્ટ તથાકાળા રંગનો પેન્ટ પહેરેલ છે.
અમી હોસ્પિટલના તબીબ રાજેશભાઇ વર્ષોથી હોસ્પિટલ ચલાવે છે અને તેમના સરળ સ્વભાવ સાથે ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલના ખર્ચમાં ઉદારતા દાખવતા આવ્યા છે અને જેને લઈને ચીખલી-વાંસદા સહિત સમગ્ર વિસ્તારમાં જાણીતા છે. ત્યારે તેમના ગુમ થયા અંગેની વાટ વાયુવેગે ફેલાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળવા પામ્યું છે.
પોલીસે તપાસ હાથ ધરી છે,ત્યારે આ જાણીતા તબીબ કયા કારણોસર ગુમ થયા તે સહિતની વિગત તપાસ બાદ જ ખબર પડશે.