દમણના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની સ્થિતિ પણ દયનીય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21
ચોમાસાની વિદાયને ચાર મહિના પૂર્ણ થઈ ગયા છે અને હવે ચોમાસાની નવી મોસમ શરૂ થવાના આડે બે-અઢી મહિનાનો સમય જ બચ્યો છે. ત્યારે દમણના મોટા ભાગના રસ્તાઓ જર્જરીત બની ચૂક્યા છે. આ રસ્તાઓની મરામત અથવા નવા નિર્માણનું કામ તાકીદે શરૂ થવું જોઈએ એવી માંગ પ્રબળ બની છે.
મોટી દમણના ઘડિયાળ સર્કલથી લઈ બામણપૂજા બોર્ડર સુધી રસ્તો ત્રાસજનક રીતે ખાડા-ખાબોચીયાવાળો બની ચૂક્યો છે. દમણ જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની સ્થિતિ સારી નથી. નાની દમણ શહેરના રોડ પણ બગડી ચૂકેલા છે અને હવે ચોમાસાની ઋતુ શરૂ થવાને આડે માંડ બે-અઢી મહિનાનો સમય બચ્યો છે ત્યારેરસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.