દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીલક્ષી અનેક કાર્યક્રમોનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22
અગામી 28મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.1રની પરીક્ષાના દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારના વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ સરપંચ અને પંચાયતની ટીમ દ્વારા વેલકમ કિટ સાથે શુભકામના પાઠવવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીલક્ષી અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેની કડીમાં આજે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ વિસ્તારથી બોર્ડની પરીક્ષા આપનાર ધો.10 અને ધો.1રના વિદ્યાર્થીઓને એક ટ્રાન્સપરન્ટ રાઈટીંગ પેડ, બે બોલપેન, એક પેન્સિલ, એક સંચો, રબર, નાની સ્કેલ સહિત એક કેડબરી ચોકલેટ આપી તેમને બોર્ડની પરીક્ષા કોઈપણ પ્રકારના ડર વગર આપી સફળ થવા શુભકામના પાઠવવામાં આવી હતી. હવે પછી આવતી કાલથી દમણવાડા ગ્રામ પંચાયતના બીજા વિસ્તારોમાં પણ ‘વેલકમ કીટ’ની સાથે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાનોકાર્યક્રમ જારી રહેશે.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, શ્રીમતી પુષ્પા રાઠોડ-ગોસાવીની સાથે સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટના, શ્રી રોહિત ગોહિલ વગેરે પંચાયતકર્મીઓ પણ જોડાયા હતા. પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ પહેલનું ગ્રામજનો અને વાલીઓએ પણ સ્વાગત કર્યુ હતું.