વાપી ગુંજનમાં જીઈબી અંડરગ્રાઉન્ડ કેબલીંગનું ખાતમુહૂર્ત અને જે ટાઈપ રોડનું લોકાર્પણ કરાશે તેમજ દિલીપભાઈની વાડીમાં ટિફીન બેઠક યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25
વાપીમાં આવતીકાલ તા.26 માર્ચ શનિવારના રોજ રાજ્યના નાણાં અને ઉર્જા કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે.
પારડીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટમાં શ્રી કનુભાઈ દેસાઈ નાણાં અને ઉર્જા મંત્રી બન્યા ત્યાર પછી વાપી વિસ્તારમાં અઢળક વિકાસ કાર્યો હાથ ધર્યા છે. જેમાંમહત્ત્વના વિકાસ કાર્યોમાં રેલવે અંડર પાસ, છરવાડા રોડ અંડરપાસ, સીટી બસ સેવા જેવા મહત્ત્વના વિકાસ કામોની યાદી લાંબી છે. આ રફતારમાં શનિવારે ગુંજન લો.પ્રાઈઝ સુપર સ્ટોર્સ પાસે સવારે 10 કલાકે જીઈબી અંડરગ્રાઉન્ડ લાઈન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા જે-ટાઈપ જી.આઈ.ડી.સી. રીડેવલોપમેન્ટ થયેલ રોડનું લોકાર્પણ શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે થનાર છે. ત્યારબાદ સવારે 11:00 કલાકે દિલીપભાઈ દેસાઈની વાડીમાં ટિફિન બેઠક શહેર સંગઠન કેન્દ્ર નં.9માં યોજાશે તેમજ વોલ પેઈન્ટનો કાર્યક્રમ પણ શનિવારે યોજાનાર છે.