રાજીવ ગાંધી સેતુનું નિર્માણ અને કોળી પટેલ સમાજને ઓબીસીમાં સમાવવા સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલે કરેલા પ્રયાસોની આજે પણ નોંધ લેવી પડે છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણ-દીવના પૂર્વ સાંસદ અને ખેડૂત નેતા ડાહ્યાભાઈ પટેલની અણધારી વિદાયને આવતી કાલ તા.03, મેના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સ્વ.ડાહ્યાભાઈ પટેલ ભગવાન ભોળાનાથ સોમનાથ દાદાના પરમભક્ત હતા. અને તેમનું દેહાવસાન પણ સોમવારે થતા એક કુદરતી સંયોગ સર્જાયો હતો.
દમણ-દીવના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલે અનેક ઉમદા કામો ભારત સરકાર અને સરકારી મશીનરી મારફત કરાવ્યા હતા. જે પૈકી રાજીવ ગાંધી સેતુ અને કોળી સમાજને ઓ.બી.સી.ની શ્રેણીમાં સમાવવા તેમણે કરેલા પ્રયાસો ધન્યવાદને પાત્ર છે. ફળિયે-ફળિયે અને સમાજ દીઠ સાંસદનિધિમાંથી ડાહ્યાભાઈ પટેલે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરી દરેક સમાજને એકતાના તાંતણે બાંધવાની કોશિષ કરી હતી. આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે શ્રી ડાહ્યાભાઈ પટેલે કરેલા સત્કર્મોની યાદ તાજી બને છે.