‘‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” ઉક્તિને સાર્થક કરતાં બાળમજૂર તરીકે ખેતરમાં મજૂરી કરતા આકાશમાં ઉડતા વિમાનને જોઈ 12 વર્ષની કુમળી વયે પાયલટ બનવાના સ્વપ્નને સાકાર કરવા એ.ડી.માણેકે કરેલી જુસ્સાદાર મહેનતઃ 5000 કરતા વધુ ભારતના યુવાનો, યુવતિઓને કોમર્શિયલ પાયલટ, ફલાઈટ ડિસ્પેચર, કેબિન ક્રુ, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ જેવી કારકિર્દીઓ માટે ગુણવત્તાસભરની તાલીમ આપીને દેશના એવીએશન/એરલાઈન ક્ષેત્રમાં આપેલું સૌથી શ્રેષ્ઠ યોગદાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સુરત, તા.22 : બારડોલી તાલુકાના છેવાડાના ગામ માણેકપોરના કેપ્ટન (ડૉ.)એ.ડી. માણેકે એક બાળમજૂર તરીકે ખેતરમાં મજૂરી કરતા આકાશમાં ઉડતા વિમાનને જોઈને 12 વર્ષની કુમળી વયે પાયલટ બનવાનું સ્વપ્ન જોયું હતું. એ સ્વપ્નને સાકાર કરતા અનેક મુશિબતો,વિટંબણાઓને પાર કરીને 16 વર્ષની અથાક મહેનત બાદ આખરે તેઓ પાયલટ બનીને તેમણે જોયેલા સપનાને સાકાર કરતા આકાશમાં વિમાન ઉડાડયું હતું.
ગરીબ કુટુંબમાં જન્મેલા બાળકે જ્યાં પેટનો ખાડો પુરવા માટે સંઘર્ષ કરવો પડતો રહ્યો તેવી સ્થિતિમાં આકાશમાં ઉડતાં એરોપ્લેનને જોઈને પોતે પણ પાઈલટ બનવાનું સ્વપ્ન સેવી જાતમહેનતથી અભ્યાસ કરી નોકરી કરતાં કરતાં 16 વર્ષની અથાક મહેનત બાદ પાયલટ બનવા માટે વેઠેલી યાતનાઓ ભારત દેશના ભાવિ યુવાધન જે પાયલટ બનવા મહેચ્છા રાખે એવા નવોદિત વિદ્યાર્થીઓને એવી યાતનાઓ ન વેઠવી પડે એ હેતુથી સાલ 1987માં ‘‘ધી સ્કાયલાઈન એવીએશન ક્લબ”નામની સંસ્થા સ્થાપી હતી. આ વર્ષે 15 ઓક્ટોબર 2023ના રોજ સંસ્થાએ 36 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 5000થી ઉપરાંત ભારત દેશના યુવાનો, યુવતિઓને કોમર્શિયલ પાયલટ, ફલાઈટ ડિસ્પેચર, કેબિન ક્રુ, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ જેવી કારકિર્દીઓ માટે ગુણવત્તાસભરની તાલીમ આપીને દેશના એવીએશન/એરલાઈન ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. આ સંસ્થામાં વિશ્વના બીજા દેશો શ્રીલંકા, નેપાળ, યમન, યુએઈ અને યુ.કે.ના તાલીમાર્થીઓએ પણ પ્રશિક્ષણ લીધું છે.
સંસ્થાએ વિશ્વમાં એવીએશન/એરલાઈનના શૈક્ષણિક વિભાગમાં વિક્રમ સર્જતા યુનાઈટેડ કિંગડમનીવર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા સંસ્થાના વિક્રમને ‘‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ”માં સમાવેશ કરીને કેપ્ટન (ડૉ.) એ.ડી. માણેકનું લંડનથી આવેલા અધિકારીઓ દ્વારા મુંબઈ ખાતે ભવ્ય સન્માન કરાયું હતું.
અત્રે યાદ રહે કે, અત્યાર સુધીમાં 81થી વધુ વખત વિવિધ સન્માનોથી સન્માનિત થઈ ચુકેલા કેપ્ટન (ડો.)એ.ડી.માણેક વર્ષ 2024 માટે ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડ માટે પણ નોમીનેટ થયા છે.
અત્રે નોંધનીય છે કે, કેપ્ટન (ડૉ.) એ.ડી.માણેકના 6 સભ્યોના પરિવારમાં 4 પાયલોટ, 1 એર હોસ્ટેસ અને 1 ફલાઈટ ડિસ્પેચર છે. આમ માણેક પરિવાર ભારત દેશનું પ્રથમ એવીએશન/ફલાઈંગ ફેમીલી તરીકે ઓળખાય છે.
કેપ્ટન (ડૉ.) એ.ડી. માણેકે વિવિધ સમાજો માટે કરેલા ઉપયોગી કાર્યો
તબીબનો દિકરો-દિકરી તબીબ જ બને, એવી જ રીત એન્જિનિયર કે પછી બીજા કોઈ કોર્પોરેટ સેક્ટરના પરીજનો વારસાગત જેતે ફિલ્ડમાં જોવા મળતાં હતાં. પરંતુ કેપ્ટન (ડો.) એ.ડી.માણેકે આ પ્રથાને કાયમ માટે તોડી નાંખી. સામાન્ય પરીવારના દિકરા-દિકરીને એવીએશન ફિલ્ડમાં ઉજ્જવળ ભાવિ બનાવવાની પુરતી તકો આપી છે. જોકે, કેપ્ટન (ડૉ.) એ.ડી. માણેક દ્વારા લિખિત એક પુસ્તક ”ઉડાન એક મજદૂર બચ્ચે કી”માં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.