-
સાંસદ કલાબેન ડેલકર, જિ.પં.પ્રમુખ નિશાબેન ભવર સહિતનીર
હેલી ઉપસ્થિતિ
-
દાદરા સંઘના ટ્રસ્ટી નટુભાઈ શાહના દિશાનિર્દેશ હેઠળ છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીના કારણે પ્રસંગની શોભામાં લાગેલા ચાર ચાંદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલીના દાદરા ગામે આચાર્ય ભગવંત અને સાધુ, સાધ્વીજીની પાવન નિશ્રામાં જૈન દેરાસરના 51મા ધ્વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દાદરા સંઘના પરિવારો તરફથી પાંચેય દિવસ ચાર ટાઈમના ભોજનની વ્યવસ્થા સાથે દરરોજ વિવિધ સંગીતકારોની લય, ઢોલ, નગારા અને ભક્તિના નાદથી સમગ્ર પંથક ઝુમી ઉઠયો હતો.
સંઘના ટ્રસ્ટી શ્રી નટુભાઈ શાહના દિશા નિર્દેશ હેઠળ છેલ્લા એક મહિનાથી તડામાર ચાલેલી તૈયારીમાં સકળ સંઘના બાળકો, મહિલાઓ, યુવાનો લઈ વડીલોએ લગાતાર પાંચ દિવસ ખડેપગે તન, મન અને ધનથી પોતાનું યોગદાન આપી ધ્વજારોહણના પ્રસંગને દિવ્ય બનાવ્યો હતો.
આ પ્રસંગે દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી નિશાબેન ભવર સહિત સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી.
શ્રીમતી રેખાબેન ભદ્રેશભાઈ શાહ (યુ. એસ.એ.વાળા) તરફથી દાદરા જૈન દેરાસરને સ્વર્ણ કળશ ભેટ આપ્યો હતો. ડો.અશોકભાઈ શાહે દાદરા જૈનદેરાસરના પ0 વર્ષના ઈતિહાસની ગાથા સવિસ્તાર રોચક શૈલીમાં સંભળાવી હતી અને સંઘના ટ્રસ્ટી શ્રી નટુભાઈ શાહે તમામ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
51મી ધ્વજાનો લાભ દાદરામાં શ્રીમતી મંજુલાબેન જીતુભાઈ નહારના પરિવાર તથા શ્રી જીગરભાઈ ભરતભાઈ નહારના પરિવારે લીધો હતો.