-
જિલ્લાની 1013 શાળાઓમાં આ વખતનો ત્રિદિવસીય પ્રવેશોત્સવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સંયુક્ત રીતે ઉજવાશે
-
પ્રવેશોત્સવ બાદ મહાનુભાવો શાળાની કામગીરી બાબતે પણ મૂલ્યાંકન કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.20
વલસાડ જિલ્લામાં વર્ષ 2022-23 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, તા.23,24 અને 25 જૂને ગુરૂવારથી શનિવાર સુધી યોજનારા પ્રવેશોત્સવમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંબંધિત વિભાગોના સંકલનથી સુપેરે આયોજન પાર પાડવા જરૂરી સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.ડી. બારીયાએ જણાવ્યું કે, બે વર્ષના અંતરાલ પછી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં તાલુકામાં કલ્સ્ટર દીઠ એક દિવસમાં 3 શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ કરાવવામાં આવશે.જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળા અને આશ્રમશાળા મળી 1013માંથી 837માં મહાનુભાવો દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાવાશે. બાકીની 176 શાળામાં સ્થાનિક કક્ષાએ એસએમસી દ્વારા પ્રવેશોત્સવ કરાવાશે. આંગણવાડીમાં પ્રવેશ પાત્ર બાળકોને જે તે શાળાના પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જ પ્રવેશ કરાવાશે. કાર્યક્રમ બાદ શાળાની સિધ્ધિ અને ભાવિ આયોજન અંગે સીઆરસીએ મહાનુભાવો સમક્ષ માહિતી આપવાની રહેશે. જેમાં મહાનુભાવો શાળા સ્વચ્છતા, ટેક્સબુકો અને કસોટી લેવલનું નિરિક્ષણ કરશે. બીજા દિવસે 24મી તારીખે તાલુકા કક્ષાએ બીઆરસી બ્લોક રિવ્યુ કરશે. જેમાં તાલુકાની તમામ શાળાની સિધ્ધિ અને ભાવિ કામગીરીનું મૂલ્યાંકન કરાશે. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી દ્વારા કરાશે. 6થી 14 વર્ષના બાળકો પ્રવેશથી વંચિત છે અથવા ડ્રોપ આઉટ છે તેમને પણ પ્રવેશ કરાવાશે. ઉજવણીમાં દરેક શાળામાં વૃક્ષારોપણ પણ કરાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનિષ ગુરવાની, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.એ.રાજપૂત, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે.એફ. વસાવા, સીડીપીઓ શ્રીમતી જયોત્સનાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.