દીવના લોકોએ પ્રશાસનની વિકાસલક્ષી નીતિ ઉપર મહોર મારી છે ત્યારે ભાજપ મોવડી મંડળ પ્રમુખ અને ઉપ પ્રમુખનો કળશ કોના ઉપર ઢોળે તેના ઉપર મંડાયેલી તમામની નજર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.15
આવતી કાલે દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજાનારી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પ્રદેશ ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવારની શોધ માટેની બેઠકોનો દૌર દીવ ભાજપ કાર્યાલયમાં ચાલી રહ્યો છે.
પ્રથમ અઢી વર્ષ દીવ નગરપાલિકામાં પ્રમુખ પદ મહિલા માટે અનામત હોવાથી અગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી ઉમેદવારની પસંદગી ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે.
13 બેઠકોનું કદ ધરાવતી દીવ નગરપાલિકામાં તમામ બેઠકો ઉપર ભાજપનો કબ્જો છે અને ભાજપ તરફથી 7 મહિલાઓ વિજેતા બનેલ છે. તેથી પસંદગીની બાબતમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. દીવ નગરપાલિકા ઉપર હંમેશા ઘોઘલાનું વર્ચસ્વ રહ્યું છે ત્યારે આ વખતે પણ ઘોઘલા મેદાન મારશે કે કેમ તે બાબતે પણ લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે.
આ વખતની ચૂંટણીમાં પક્ષકરતા પણ વધુ પ્રદાન શહેરમાં થયેલા વિકાસ કામોનું રહ્યું છે. દીવના લોકોએ પ્રશાસનની વિકાસલક્ષી નીતિ ઉપર મહોર મારી છે ત્યારે ભાજપ મોવડી મંડળ પ્રમુખ અને ઉપ પ્રમુખનો કળશ કોના ઉપર ઢોળે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.