-
આજે ‘ઈન્ડિયા ડે’ નિમિત્તે મોટી દમણ અને સેલવાસમાં માનવ મહેરામણ ઉમટશે
-
સમગ્ર પ્રદેશમાં પેદા થયેલા હકારાત્મક અને વિકાસલક્ષી વાતાવરણના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાંથી રોજીરોટી કમાવા આવેલા શ્રમિકોથી માંડી છેવાડેની ઝૂંપડીમાં રહેતાઆદિવાસી પરિવારમાં પણ ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બદલાઈ રહેલા પ્રદેશ સાથે તાલથી તાલ મેળવવા પ્રશાસનને સહયોગ આપવાની શરૂ થયેલી સ્પર્ધા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ તા.12: સમગ્ર દેશની સાથે આવતી કાલથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ઘર ઘર તિરંગા અભિયાનનો આરંભ થઈ રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ કરી નવા ભારત સાથે મેળવેલા કદમથી કદમના કારણે પ્રદેશના લોકોની વૈચારિક શક્તિમાં પણ પરિવર્તન આવ્યું છે અને સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલી જાગૃતિ અને લોકો સાથે કરેલા સીધા સંવાદના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઘર ઘર તિરંગા અભિયાને લોક આંદોલનનું સ્વરૂપ પકડયું છે. આજથી જ લગભગ મોટાભાગના ઘરો ઉપર તિરંગો લહેરાવવાની શરૂઆત પણ થઈ ચુકી છે.
આવતી કાલે મોટી દમણના રામસેતૂ બીચના જમ્પોરથી લાઈટ હાઉસ અને સેલવાસ ખાતે શહિદ ચોકથી રિવરફ્રન્ટ સુધી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત ‘ઈન્ડિયા ડે’ નિમિત્તે પોતપોતાના પ્રદેશની વેશભૂષા અને વિવિધ સમાજના પરંપરાગત પરિધાન સાથે હજારો લોકો આનંદ અને ઉત્સાહથી ઉમટવાના હોવાના સંકેત મળી રહ્યા છે.સમગ્ર પ્રદેશમાં પેદા થયેલા હકારાત્મક અને વિકાસલક્ષી વાતાવરણના કારણે જુદા જુદા રાજ્યોમાંથી રોજીરોટી કમાવા આવેલા શ્રમિકોથી માંડી છેવાડેની ઝૂંપડીમાં રહેતા આદિવાસી પરિવારમાં પણ ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બદલાઈ રહેલા પ્રદેશ સાથે તાલથી તાલ મેળવવા સંઘપ્રદેશ પ્રશાસનને સહયોગ આપવાની સ્પર્ધા પણ શરૂ થઈ છે. જેના કારણે લોકોમાં આગવો જુસ્સો અને ઉમંગ પણ દેખાઈ રહ્યો છે.
સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવના જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો અને કાઉન્સિલરો તથા સર્વ સમાજના પ્રતિનિધિઓએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને ચિરંજીવ અને યાદગાર બનાવવા માટે પણ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. જેના કારણે આવતી કાલે મોટી દમણ અને સેલવાસમાં માનવ મહેરામણ ઉમટશે એવો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે.