વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ શિક્ષણ દ્વારા જ શક્યઃ કલેક્ટર ડો. તપસ્યા રાઘવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ આજે 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે દેશની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ આજે દમણમાં 76માસ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી દમણ ખાતે નવા લાઈટ હાઉસ ખાતે સવારે 9 કલાકે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર ડો. તપસ્યા રાઘવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
કલેક્ટર ડો. તપસ્યા રાઘવે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેઓ 76મા સ્વતંત્રતા દિવસની સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે અને જણાવ્યું હતું કે આખો દેશ નવા જોશ, નવી વિચારસરણી અને આત્મવિશ્વાસ અને સંપૂર્ણ ઉત્સાહ સહથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ ક્રમમાં પાછલા 7પ વર્ષોમાં દરેક વ્યક્તિએ દેશને વિકાસની ઉંચાઈઓ પર પહોંચાડવા માટે પોતાના સ્તરે સતત પ્રયાસો કર્યા છે.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ સંઘપ્રદેશમાં પણ દરેક ક્ષેત્રે વિકાસના નવા આયામો સ્થાપ્યા છે, પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય, આરોગ્ય, રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ હોય, દમણમાં દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે.
કલેક્ટરશ્રી ડો. તપસ્યા રાઘવે શિક્ષણના મહત્વ પર ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે, વ્યક્તિનો સંપૂર્ણ વિકાસ શિક્ષણ દ્વારા જ શક્ય છે. તેમણે જણાવ્યું કે, આ દેશના ઋષિમુનિઓએ‘સા વિદ્યા યા વિમુક્તયે’નું જ્ઞાન આપીને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો છે. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાના શિક્ષણને આનંદપ્રદ અને રસપ્રદ બનાવવા માટે તેની માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે દમણની એન્જિનીયરીંગ કોલેજમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી પણ શરૂ કરવામાં આવી છે જેમાં પ સ્નાતક અને 1 અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદાના અભ્યાસ માટે નેશનલ લો યુનિવર્સિટીનું સેટેલાઈટ કેમ્પસ ખોલવાનું કામ પણ ચાલી રહ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રે વહીવટીતંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. કોવિડના રોગચાળા દરમિયાન, સમગ્ર વિશ્વએ કેન્દ્રશાસિત પ્રદેશની ‘સાર્વત્રિક ભાઈચારાની ભાવના’ જોઈ અને માનવતાની સેવામાં અમારા સહકારની પણ પ્રશંસા કરી. સામાન્ય નાગરિકોને સુવિધા મળી રહે તે માટે અત્યાધુનિક આરોગ્ય સાધનો, અત્યાધુનિક પ્રયોગશાળાઓ, ઓપરેશન થિયેટરો અને હોસ્પિટલોમાં બેડો વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું જેથી કરીને આમ લોકોને સુવિધાઓ મળી રહે.
પર્યાવરણને થઈ રહેલા નુકસાનને રેખાંકિત કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે 01 જુલાઈથી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પરપ્રતિબંધ લગાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક જળાશયો દ્વારા પર્યાવરણમાં પ્રવેશ કરે છે, જે જળ પ્રદૂષણનું મુખ્ય કારણ છે તેને બાળવાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. તેમણે તમામ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને જુટ અને કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રી ડો. તપસ્યા રાઘવે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રોકાણે પ્રોત્સાહન મળી શકે તે માટે ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન માટે ‘ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન સ્કીમ’ લાગુ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યની હાજરીની નોંધણી કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશોના ઔદ્યોગિક ઉદ્યાનો આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક સિસ્ટમ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે. ઉદ્યોગ અને ઔદ્યોગિક કામદારોએ વહીવટીતંત્રની બે આંખો છે અને તેમનો સર્વાંગી વિકાસ એ જિલ્લા વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
કલેક્ટરશ્રી વધુમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોએ દેશપ્રેમના ઉત્સાહ સાથે પોત પોતાના ઘરે ઘરે,ઉદ્યોગ પરિસરમાં, હોટલોમાં જાહેર સ્થળો અને સરકારી ઈમારતોમાં દેશની આન, બાન અને શાનના પ્રતિક સમા તિરંગાને ફરકાવી તેને ભવ્ય સફળતા અપાવવામાં મદદ કરી છે.
આઝાદીના અમૃત મહોત્સવમાં આયોજીત વિવિધ સ્પર્ધાઓના ટોચના વિજેતાઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પોલીસ વિભાગના બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું અને બધાએ તેમની સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું અને તમામ મહેમાનોએ આકાશમાં તિરંગાના ફૂગ્ગાઓ છોડયા હતા. આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ સહિત તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, તમામ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.