નવસારીની બોટ માછીમારી કરવા મુંબઈ જતી હતી ત્યાં રાત્રે મશીન ખોટકાતા કટોકટી સર્જાઈ હતી : 14 માછીમારો ઉગારાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17
માછીમારી કરવા નવસારીની બોટ મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે વલસાડથી 13 નોટિકલ માઈલ દરિયામાં બોટનું એન્જિન બંધ પડી જતા માલિક સહિત 17 જેટલા માછીમારો મધરાત્રે દરિયામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ સુરત કરવામાં આવતા સુરતથી દમણ કોસ્ટ ગાર્ડને જાણ કરાઈ હતી. કોસ્ટાગાર્ડે દિલધડક રેસક્યુ ઓપરેશન તાબડતોબ હાથ ધરીને ફસાયેલા માછીમારોને ઉગારી લેવાયા હતા.
માછીમારીનો વ્યવસાય જોખમી છે. દરિયામાં ક્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તેનો તાગ મેળવવો અશક્ય છે. કંઈક તેવી ઘટના મંગળવારે રાત્રે વલસાડ નજીક દરિયામાં ઘટી હતી. નવસારીથી માછીમારી કરવા કૃષ્ણાપુર ગામથી બોટ દરિયામાં નિકળી હતી. વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટનું એન્જિન ખોરવાઈ ગયું હતું. રાત પડી ચુકી હતી. અંધારામાં બોટમાં સવાર માલિક સાથે 17 જેટલા માછીમારો સાથે આભ તૂટી પડયુ હતું. ઘટનાની જાણ દમણ કોસ્ટ ગાર્ડને કરવામાં આવતા કોસ્ટ ગાર્ડની ટીમેવલસાડ દરિયામાં આવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. બોટમાં સવાર માલિક અને અન્ય બે સિવાયના 14 જેટલા માછીમારોને સલામત રીતે બહાર કાઢી દમણમાં લવાયા હતા.