કોથરવાડીના ચાર ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ : કુતરાની જેમ મારી નાખવાની ધમકી આપેલી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં ગઈકાલ શનિવારે સાંજના સુમારે ચકચારી ઘટના ઘટી હતી. સ્થાનિક કોથરવાડીમાં રહેતા ચાર ઈસમો નિર્દય બની પાઈપ અને લાકડા લઈ ધસી આવી સાત જેટલા નિર્દોષ શ્વાનને માર ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા સોસાયટીના બિલ્ડરે ચારેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પવિત્ર શ્રાવણ મહિનામાં લોકો દાન-પુણ્ય કરતા હોય છે ત્યારે પારડી કોથરવાડીમાં રહેતા રમણ પટેલ, સંજય ડાહ્યાભાઈ પટેલ, ધનસુખ પટેલ અને પ્રકાશ વિઠ્ઠલ પટેલ નામના ચાર ઈસમો પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં પાઈપ અને લાકડા લઈ ધસી આવ્યા હતા.સોસાયટીના છ થી સાત કુતરાને ઢોર માર મારી મોતને ઘાત ઉતારી દીધા ત્યારે સ્થાનિક રહીશોની લાગણી દુબાઈ હતી. સોસાયટીના ઓફીસ કર્મચારી, બિલ્ડર પરષોત્તમભાઈ ઠાકરશી અને અન્ય સમજાવા ગયા ત્યારે ચારેય ઈસમોએ ધમકી આપી હતી. અમારા મરઘાનો શિકાર કુતરા કરે છે તેથી મારી નાખ્યા, તમે પણ વધુ બોલશો તો કુતરાની જેમ મારી નાખીશું. તે પછી સોસાયટીના રહીશોએ કુતરા મારી નાખનાર ચાર ઈસમો વિરૂધ્ધ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.