શાંતિ ચેમ્બર સામે તૂટેલી ગ્રીલ વચ્ચેથી વાહનો અવરજવર કરી રહ્યા છે : અન્ય બાકોરા જુદા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ધમધમતી વાપી ઔદ્યોગિક વસાહત અને શહેર વચ્ચે નેશનલ હાઈવે પસાર થયો છે. તેથી વારંવાર અકસ્માત પણ વધુ થઈ રહ્યા છે તે પૈકી કેટલાક અકસ્માત તો હાઈવે ઓથોરિટીની બેદરકારી આધિન થઈ રહ્યા હોવાનું ચોંકાવનારું સત્ય પણ છે. વાપી કોર્ટ નજીક અને શાંતિ ચેમ્બર સામે સર્વિસ રોડ ઉપરની ગ્રીલ લાંબા સમયથી તૂટેલી બેહાલ પડી છે. જે જોખમી અને અકસ્માત સર્જી શકે તેમ છે.
વાપી નેશનલ હાઈવે ઉપર બે માસ પહેલાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વાહનો સળગી ગયા હતા તેમજ પલ્ટી મારી ગયા હતા. આ અકસ્માતમાં સર્વિસ રોડની ગ્રીલ પણ નષ્ટ થઈ હતી. શાંતિ ચેમ્બર અને જલારામ મંદિર વચ્ચે થયેલા આ અકસ્માત બાદ ખાખ થયેલા વાહનો તો જે તે ટાઈમે હટાવી બલીઠા પુલની ઉદવાડા તરફ જતી ટ્રેક નીચે ખુલ્લી જગ્યામાં રખાયા છે પરંતુ અકસ્માતમાં સર્વિસ રોડની ગ્રીલનો ખુદડો બોલી ગયો હતો. સાતથી આઠ મીટરની ગેપ પડી હતી. આ ગેપ હજુ સુધી એમની એમ જ છે. પરિણામે કોમર્શિયલ વાહનો આ ગેપમાંથી અવરજવર કરતા જોવા મળી રહ્યા છે.તેથી અકસ્માતની ભીતી છે. હાઈવે ઓથોરીટીને તૂટેલી ગ્રીલ મરામત કરાવાની ફુરસદ નથી, રસ છે માત્ર ટોલટેક્ષ ઉઘરાવાનો. હાઈવે પરના ખાડા હજુ સુધી મરામત થયા નથી. પેપીલોનથી બલીઠા પુલ તરફ જતો હાઈવે સર્વિસ રોડ જોખમી બની રહ્યા છે. બે-ત્રણ જગ્યાએ ગ્રીલ તૂટી જવાથી બાકોરા પણ પડી ગયા છે.