(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: આજે દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં ‘નશામુક્ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ જણાવ્યું હતું કે આપણા પ્રદેશમાં બાળકો અને યુવાઓને નશાના આદિ થતા બચાવવા જોઈએ અને એના માટે આપણે દરેક વિભાગો સાથે મળી કામ કરવું જોઈએ એ આપણી નૈતિક જવાબદારી છે. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘નશામુક્ત ભારત’ અભિયાનનું કાર્ય યોજના અને રૂપરેખા બનાવવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જનપદ સ્તરીય બેઠક કરવામાં આવી. એમના દ્વારા નશામુક્ત ભારત અભિયાન માટે ગઠિત જનપદ સ્તરીય સમિતિના સભ્યોને આપસી સમન્વય સ્થાપિત કરી યોજનાને સફળ બનાવવા નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને પોતાના ફરજોને નિર્ધારિત કરી યોગ્ય પ્રકારે કાર્ય કરવા નિર્દેશ આપવામાંઆવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, તમામ સરકારી કચેરીઓ, રહેઠાણ, જાહેર સ્થળો, જાહેર સંસ્થાઓ વગેરેના 100 મીટરના દાયરામાં કોઈપણ નશીલા પદાર્થ જેવા કે બીડી-સિગારેટ, પાન, ગુટકા, તંબાકુ વગેરેના ઉત્પાદનો વેચવા કાયદાકીય ગુનો છે.
આ સંદર્ભે નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે વિશેષ જાણકારી આપતા જણાવ્યું હતું કે બાર અને વાઈન શોપમાં 18વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ નહિ રાખી શકે અને 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને શરાબ નહિ આપી શકાય કે વેચી નહિ શકાય.
આ પ્રસંગે ‘નશામુક્ત ભારત’ અભિયાનના દાનહ દમણ દીવના નોડલ અધિકારી શ્રી સંજીવ કુમાર પંડયાએ જણાવ્યું કે ‘નશામુક્ત ભારત’ અભિયાનને લઈ સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા 272 જિલ્લાઓ નક્કી કરવામાં આવ્યા છે જેમાં આ વર્ષે 100 નવા જિલ્લા પણ સામેલ છે જેમાંથી દાદરા નગર હવેલી એક જિલ્લો છે.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રત્યેક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગ્રુપ બનાવી વિદ્યાર્થીઓને જાગૃત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા જેમાં વિદ્યાર્થી કોઈપણ પ્રકારના નશાનો પ્રારંભ નહીં કરે, પોલીસ વિભાગને ‘નશામુક્ત ભારત’ અભિયાનને સફળ બનાવવા માટે નિર્દેશ આપ્યા અને સાથે ‘મિશન વાત્સલ્ય’ અને ‘મિશન શક્તિ’નેજોડી વ્યાપક પ્રચાર પ્રસાર કરી જાગરૂકતા ફેલાવવા જણાવ્યું હતું.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારી, શિક્ષણ વિભાગના અધિકારી, જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ, સ્પોર્ટ્સ વિભાગ, એનજીઓ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.