(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : શનિવારે દાદરા નગર હવેલીના નરોલી ગામે વિજયાદશમી પર્વની ઉજવણીને અનુલક્ષીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આર.એસ.એસ.) દ્વારા પથ સંચલન કરવામાં આવ્યું હતું.
ભારતના વૈભવશાળી અને વિજયની પરંપરાના સ્મરણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમી ઉત્સવ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પહેલાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.એસ.એસ. દ્વારા નરોલી હાઈસ્કૂલ મેદાન પર આયોજીત આ પથ સંચલન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત વરિષ્ઠ અધ્યાપક શ્રી વીરેન્દ્રસિંહ ચૌહાણ સાથે પ્રમુખ વક્તા તરીકે ગુજરાત પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી નંદકિશોર અને શ્રી સુભાષ કટારીયા તાલુકા કાર્યવાહ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પથ સંચલનની શરૂઆત નરોલી હાઈસ્કૂલ મેદાનથી શરૂ કરી નરોલી ચાર રસ્તા, ભવાનીમાતા મંદિર, દીપ કોમ્પ્લેક્સ, રાજપૂત સમાજ ગ્રાઉન્ડ, મેઈન રોડ, મેઈન રોડથી કમલાની મિલ, ગંગેશ્વર મહાદેવ મંદિર થઈ પરત નરોલી હાઈસ્કૂલ ખાતે આવી હતી. આ પથ સંચલન દરમિયાન ચાર રસ્તા પર રાષ્ટ્રીય સ્વયં સેવકોનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પથ સંચાલનમાં 200થી વધુની સંખ્યામાં ગણવેશધારી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નરોલી નગરના પ્રબુદ્ધ નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.