(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આગામી દિવસોમાં આવનાર સૌથી મોટા તહેવાર નવરાત્રીની ઉજવણી કરવા બાબતે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવા અને માર્ગદર્શિકા નક્કી કરી મૌખિક અથવા લેખિત જાણ કરવા સેલવાસ ન.પા. કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે.
ન.પા. કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટરશ્રીને કરેલીલેખિત અરજીમાં જણાવાયું છે કે, આગામી તા.26મી સપ્ટેમ્બરથી દેશના સૌથી મોટા ઉત્સવ એટલે કે, નવરાત્રી આવી રહી છે. જેમાં મોટા પાયે પહેલાંથી તૈયારીઓ કરવી પડતી હોય છે અને ફક્ત ગણતરીના દિવસો બાકી હોય ત્યારે દરેક રાસ-ગરબાના રસિયાઓ અને માતાના ઉપાસકો તથા તમામ નવરાત્રીની ઉજવણી કરતા મંડળો, આયોજકો અસમંજસની સ્થિતિમાં હોય અને પ્રશાસન શું નિર્ણય લેશે તે તરફ મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. આ ચિંતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક નવરાત્રીની ઉજવણી માટે મૌખિક અથવા લેખિત કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશાસન જાણ કરે. જેથી પ્રશાસનની માર્ગદર્શિકા મુજબ રાસ-ગરબા રસિયાઓ નવરાત્રીની તૈયારી કરે. આ પહેલાં દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવા માટેની મંજૂરી આપવા અને સફળતાપૂર્વક મહોત્સવને પૂર્ણ કરવા બદલ કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે પ્રશાસનનો આભાર માન્યો હતો.