‘‘દાનહમાં ફક્ત પરિવારવાદની રાજનીતિ થઈ રહી હતી, પરિવારવાદમાં લોકો ફક્ત પોતાના પરિવારની બાબતમાં વિચારે છે અને વિકાસ પણ ફક્ત પોતાના પરિવારનો કરે છે, જ્યારે ભાજપ એટલે ભારતના લોકોની પાર્ટી”: ધર્મેશસિંહ ચૌહાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ(યુ)ના યુનિટનું દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપમાં વિલીનીકરણ થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી વહેતી થયેલી ખબરનો પણ અંત આવ્યો હતો.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ(યુ)ના પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે ખુબ જ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, નીતિશ કુમારથી માંડી પ્રદેશના નેતાઓએ કરેલી તકવાદની રાજનીતિના કારણે પ્રદેશને ખુબ મોટું નુકસાન પહોંચ્યું છે. તેમણે વિશ્વાસ પ્રગટ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સાથે સાથે દરેકરાજ્યો અને પ્રદેશ પણ સલામત છે. કોરોના કાળ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી પહેલના કારણે લોકોને મફત વેક્સિન મળવાની સાથે સાથે જરૂરિયાતમંદોને મફત અનાજનું વિતરણ પણ કરાયું છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ કરનાર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી.
શ્રી ધર્મેશસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાનો નિર્ણય જનહિતમાં લીધો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં ફક્ત અને ફક્ત પરિવારવાદની રાજનીતિ થઈ રહી છે. પરિવારવાદમાં લોકો ફક્ત પોતાના પરિવારનું વિચારે છે અને વિકાસ પણ ફક્ત પોતાના પરિવારનો કરાય છે. તેથી આવતા દિવસોમાં આપણે ભાજપ સાથે જોડાવાનો લીધેલો નિર્ણય યથાયોગ્ય હોવાનું સમજાશે એવી સીધી વાત પણ કરી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, મોદીજી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાના નેતૃત્વમાં કેન્દ્ર, પ્રદેશ અને જિલ્લા પંચાયતમાં વિકાસનું ત્રિપ્પલ એન્જિન હવે દોડશે.
પ્રારંભમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ(યુ)ના યુનિટના પ્રમુખ સહિત હોદ્દેદારોને ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે દાદરા નગરહવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ તરીકે શ્રી ધર્મેશસિંહ ચૌહાણની નિયુક્તિનો પત્ર પણ આપ્યો હતો અને તેમને શુભકામના પણ પાઠવી હતી.