(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને નદીમા ઝંપલાવતા ઘટના સ્થળે જ મોત થયું હતું. કિરણ નાતરે (ઉ.વ.22) રહેવાસી વાંસદા મૂળગામ જે સાયલી ગામે શોરૂમમાં નોકરી કરતો હતો જેને એક છોકરી સાથે પ્રેમ હતો પરંતુ એના પરિવારવાળાઓએ સગાઈ કરવાની ના પાડી દેતા તેને માઠું લાગી આવતા બુધવારના રોજ બપોરે દોઢ વાગ્યાના સુમારે રખોલી ગામે દમણગંગા નદી પુલ પરથી નીચે ઝંપલાવી દેતા યુવાન સીધો પથ્થરવાળી જગ્યા પર પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળ પર જ એનું કમકમાટીભર્યું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ પહોંચી હતી અને યુવાનના ઓળખપત્રના આધારે પરિવારની ઓળખ થઈ હતી. પોલીસે યુવાનની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રખોલી અને નરોલી દમણગંગા નદી પુલ પરથી વારંવાર આત્મહત્યાની ઘટના બની રહી છે જેને અટકાવવા માટે નદીના પુલની આજુબાજુ જાળીઓ લગાવવા કેટલી વખત માંગ કરવામાં આવી છે. તેથી હવે એ કામ જરૂરી બની જવા પામ્યું છે. રખોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.