(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: સમગ્ર ગુજરાત રાજ્યમાં શાસક પક્ષ ભાજપા સામે ગુણવત્તા યુક્ત શિક્ષણ અને સરકારી શાળાઓની સુવિધાના અભાવનો મુદ્દો પેચીદો બની રહ્યો છે. ઉમરગામ તાલુકામાં પણ સ્થાનિક જન પ્રતિનિધિ અને શાળાના આચાર્યોની રજૂઆતને દર કિનાર કરવાની નીતિના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાયેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઓરડાના અભાવે ખુલ્લા મેદાન કે છત વગરના હોલમાં બે થી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ સામૂહિક રીતે બેસી અગવડ ભરી પરિસ્થિતિમાં મજબૂરીવસ અભ્યાસ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક જન પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર શાળાના ઓરડાની માંગની રજૂઆત ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સમક્ષ અનેકવાર કરવા છતાં પૂર્ણ થવા પામી નથી. ઉમરગામ તાલુકાના માણેકપુર, માંડા નાનકાપાડા, સરીગામ પાગીપાડા સહિત ઘણા વિસ્તારોમાં શાળાના મકાનો જર્જરીત હાલતમાં જોવા મળે છે. આર્થિક રીતે નબળા અને આંતરયાડ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ ખાનગી શાળા નો ખર્ચ સહન કરી શકતા ન હોવાના કારણે લાચાર બની સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મોકલવામાં આવે છે જ્યાં તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.
ઉમરગામ તાલુકાના મામકવાડ ખાતેની પ્રાથમિક શાળાના પાંચઓરડા જર્જરિત હાલતમાં છે જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી બાળકો ખુલ્લા ગણપતિ હોલમાં અભ્યાસ કરવા માટે બેસે છે. એક જ હોલમાં બે થી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે બેસે તો અભ્યાસમાં ખલેલ પહોંચી શકે એમાં બે મત નથી. અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક અભ્યાસ કરાવી શકે એવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી. આ પ્રકારની ઘટના માત્ર મમકવાળમાં જ નથી પરંતુ ઉંમરગામ તાલુકામાં ઘણી જગ્યાએ જોવા મળે છે. આ પ્રકારની સર્જાયેલી સમસ્યાના નિવારણ માટે શાળાના સંચાલકો તેમજ સ્થાનિક જન પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઉકેલ આવી શકયો નથી જેની નોંધ રાજ્ય સરકારે લેવી જોઈએ.