-
મુંબઈ હાઈકોર્ટે યાચિકાકર્તા સુલોચના દેવી અગ્રવાલને પોતાનો પક્ષ અને પુરાવા પ્રશાસન સમક્ષ રજૂ કરવા આપેલા નિર્દેશઃ ખેડૂત તરીકેના યોગ્ય પુરાવા રજૂ કરવા નિષ્ફળ રહેલા સુલોચના દેવી
-
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ છેલ્લા 6 વર્ષથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લેન્ડ અને પોલીટિકલ માફિયાઓના માથે બેસેલી શનિની પનોતીઃ ગરીબ ખેડૂતોને મળી રહેલો ન્યાય
-
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લેન્ડ માફિયાઓએ હડપ કરેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પરત મેળવવા પણ પ્રશાસનને મળી રહેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15: દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્ની શ્રીમતી સુલોચના અગ્રવાલ ખેડૂત નહીં હોવાનો ચુકાદો આજે કલેક્ટર કોર્ટે આપવાની સાથે તેમને ખેતીની જમીન ખરીદવા આપવામાં આવેલ તમામ સેલ પરમિશનો રદ્ કરી તે તમામ જમીનો મૂળ માલિકના નામે કરવાનોઐતિહાસિક ફેંસલો સંભળાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણમાં છેલ્લા ત્રણ – સાડાત્રણ દાયકાથી અનિલ અગ્રવાલ દ્વારા તેમની પત્ની સુલોચના દેવી અગ્રવાલને ખોટી રીતે ખેડૂત બતાવી ખેડૂતોની જમીનો સસ્તા ભાવે પડાવી લેવાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જેના અનુસંધાનમાં દમણના ખેડૂત પુત્ર અને દમણ નગરપાલિકાના કાઉન્સિલર મુકેશ પટેલે સુલોચના દેવી અગ્રવાલ ખેડૂત નહીં હોવાથી તેમના દ્વારા ખરીદવામાં આવેલ તમામ જમીનોની સેલ પરમિશન રદ્ કરવા માટે કલેક્ટર કોર્ટમાં દાદ માંગી હતી.
દમણ જિલ્લા કલેક્ટરે મુકેશ પટેલ દ્વારા કરાયેલી ફરિયાદના સંદર્ભમાં સંઘપ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પાસે સુલોચના દેવી અગ્રવાલ દ્વારા ખેતીની જમીન ખરીદવા અર્થે અત્યાર સુધી માંગવામાં આવેલી સેલ પરમિશનની પુનઃ સમીક્ષા કરવા અનુમતિ માંગી હતી. જેને માનનીય પ્રશાસકશ્રીએ મંજૂરી આપી હતી.
દમણ કલેક્ટર કોર્ટ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવાની સાથે કલેક્ટર કોર્ટમાં કેસ પણ શરૂ થયો હતો. કેસ દરમિયાન સુલોચના દેવી પહેલાં ગેરહાજર રહ્યા હતા ત્યારબાદ આ કેસ બાબતે સલોચના દેવી અગ્રવાલે મુંબઈ હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા હતા. મુંબઈ હાઈકોર્ટે યાચિકાકર્તા સુલોચના દેવી અગ્રવાલને પોતાનો પક્ષ અને પુરાવાપ્રશાસન સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. સાથે સાથે દમણ પ્રશાસનને પણ યાચિકાકર્તાના વિરોધમાં કોઈ આદેશ આવવાની સ્થિતિમાં તેનો અમલ 15 દિવસ રોકવા નિર્દેશ આપ્યો હતો.
કલેક્ટર કોર્ટમાં સુલોચના દેવી અગ્રવાલ દ્વારા તેમના બાપ-દાદા ખેડૂત હોવાની વાત કરવાની સાથે તેઓ હિન્દુ અવિભાજિત કુટુંબ (એચ.યુ.એફ.)ના સભ્ય હોવાનો પણ દાવો કર્યો હતો. પોતાના પિયરની મિલકતની ટેક્સ રસીદો પણ રજૂ કરી હતી. ત્યારબાદ 2005માં એક આગની ઘટનામાં તેમના તમામ દસ્તાવેજો સળગી ગયા હોવાની દલીલ રજૂ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુનાવણી દરમિયાન સુલોચના દેવી અગ્રવાલ એવો એક પણ પુરાવો રજૂ નહીં કરી શક્યા હતા જેમાં તેમના નામે કોઈ ખેતીલાયક જમીન હોય અને રેવન્યુ રેકર્ડમાં તેમનું નામ ખેડૂત તરીકે દર્શાવેલું હોય. કલેક્ટર કોર્ટે એવું પણ તારણ કાઢયું છે કે, આગની ઘટનામાં દસ્તાવેજો બળી ગયા હોય. પરંતુ સરકારી રેકર્ડમાંથી તે સરળતાથી ફરી મળી શકતા હોય છે તેથી કોઈપણ વ્યક્તિ ખેડૂતને લગતા દસ્તાવેજો મેળવી શકે છે. તપાસ દરમિયાન સુલોચના દેવી અગ્રવાલ મૂળ રાજ્ય બિહારના રેવન્યુ રેકર્ડમાં પણ તેમનું નામ દાખલ નહીં હોવાનું બહાર આવ્યું હતું. સુલોચના દેવીના બાપ-દાદા જે તે સમયે અલગ થઈ ગયા હોવાથી તેઓ હિન્દુઅવિભાજીત કુટુંબ (એચ.યુ.એફ.)ની શ્રેણીમાં પણ નહીં આવતા હોવાનું ફલીત થયું હતું.
દમણ કોર્ટે એવું સ્પષ્ટ તારણ કાઢયું છે કે, સુલોચના દેવી અગ્રવાલ ક્યારેય પણ ખેડૂત નહીં હતા, તેથી કલેક્ટર કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી સુલોચના દેવી અગ્રવાલના પોતે ખેડૂત હોવાના દાવાને નકારી કાઢતો આદેશ આપ્યો હતો. તેમના દ્વારા ભૂતકાળમાં ખરીદવામાં આવેલ કૃષિની જમીનોની સેલ પરમિશન પણ રદ્ કરવાનો હુકમ સંભળાવ્યો હતો. મામલતદારને સુલોચના દેવી અગ્રવાલના તમામ જમીનોના દસ્તાવેજમાંથી સુલોચના દેવી અગ્રવાલ નામ હટાવી તેમના સ્થાને મૂળ જમીનના માલિકના નામ દાખલ કરવા આદેશ જારી કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ 2016થી દાદરા નગર હવેલી અને દમણ-દીવના જમીન માફિયાઓએ હડપેલી જમીન પરત મેળવી ગરીબ ખેડૂતોને ન્યાય મળે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે અને લોકોનો વિશ્વાસ પણ બુલંદ બન્યો છે. છેલ્લા 6 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 200 થી 300 એકર જેટલી સરકારી જગ્યા ઉપર લેન્ડ અને પોલીટિકલ માફિયાઓએ કરેલા કબ્જાને દૂર કરી કરોડો રૂપિયાની જમીન પ્રશાસને પાછી મેળવી છે. હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં યુક્તિ-પ્રયુક્તિથી ગરીબ ખેડૂતોનેલાચાર બનાવી તેમની હડપેલી જમીનો ફરી પરત મળે એવી આશા સામાન્ય લોકોમાં પણ બળવત્તર બની છે.