(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ 10 અને 11 ઓકટોબરના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્ટર કોલેજ ખોખો (ભાઈઓ અને બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 16 અને બહેનોમાં 8 કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો આરંભ મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજીના આશીર્વચન સાથે થયો હતો, જેમાં તેમણે વિદ્યાર્થીઓને ભણતર સાથે રમત ગમતનુંમહત્વ સમજાવ્યું હતું, તેમજ આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સ્પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.આકાશ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં રાખીને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના ફિઝીકલ ઇન્સ્ટ્રકટર શ્રી પ્રિયંક પટેલે રમતને ખૂબ જ સારી રીતે પાર પાડી હતી. જેમાં ગુજરાત રાજ્યના ખો ખો એસોસિએશન હાર્દિકભાઈ મિષાી, ડૉ. જીતેન્દ્ર પટેલ નિર્ણાયક તરીકે હતા. ભાઈઓની ખો-ખો સ્પર્ધામાં શાંતિલાલ શાહ ભાવનગર કોલેજની ટીમે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી. તથા એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ, અમદાવાદ રનર્સઅપ રહી હતી. બહેનોની ખો-ખો સ્પર્ધામાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીની ટીમે ચેમ્પિયનશીપ જીતી હતી તથા શાંતિલાલ શાહ કોલેજ ભાવનગરની ટીમ રનર્સઅપ રહી હતી. આ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી માટે જી.ટી.યુ.ની બેસ્ટ ટીમનું સિલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોમાંથી બેસ્ટ ખિલાડીમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓમાં ત્વિષા બહાલીવાલા, દિયા પટેલ, પ્રિયાંશી પટેલ, તૃપ્તિપાંડે, રોશની પટેલ, ક્રિતીકા હળપતિની પસંદગી થઈ છે, તથા ભાઈઓમાં સુનીલસિંહ ચૌહાણની પસંદગી થઈ છે જે કોલેજ માટે ખુબજ ગૌરવવંતી બાબત છે.
આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષા પટેલ, શ્રીમતી નીતુ સિંગ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.