(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.16 : આજે નાની દમણના એજ્યુકેશન હોલમાં નેહરુ યુવા કેન્દ્ર દમણ દ્વારા ‘યુવા ઉત્સવ-2022′ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને વિશ્વમાં અભૂતપૂર્વ અને શક્તિશાળી ઓળખ મળી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના નવા આયામોને સ્પર્શી રહ્યા છે. યુવાનોને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે આદિવાસી યુવાનો પણ યુનિયન સ્ટેટમાં ડોક્ટર,એન્જિનિયર અને ડિઝાઈનર બની શકશે, કારણ કે હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેડિકલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનિંગની કોલેજો છે.
આ અવસરે દમણના એપીઈઓ શ્રી અક્ષય કોટલવારે જણાવ્યું હતું કે યુવાનોના સશક્તિકરણ માટે વહીવટીતંત્ર સજ્જ છે અને યુવાનોએ આગળ આવીને તેનો લાભ લેવો જોઈએ.
કાર્યક્રમ દરમિયાન ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, કવિતાલેખન, વક્તવ્ય સ્પર્ધા, યુવા સંવાદ અને લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં નિર્ણાયકની ભૂમિકામાં પ્રોફેસર ગીતા પટેલ, બી.એડ. કોલેજના સંજય પટેલ, સરકારી કોલેજના પ્રોફેસર પુખરાજ જાંગીડ, રાકેશ ભંડારી, હિરેન કેની અને આદિલ રૂપાણી હાજર રહ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓ જેમાં પ્રથમ પટેલ ધ્રુવી, દ્વિતીય પટેલ પ્રાર્થના, તૃતીય દીપિકા દુબે રહ્યા હતા. જ્યારે ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ અક્ષય તોરસ્કર, દ્વિતિય સાઈ ઠાકુર અને ત્રીજા ક્રમે વ્રજ રુદ્રકુમાર રહ્યા હતા. કવિતા લેખનમાં પ્રથમ રેશ્મા હળપતિ, દ્વિતિય રૂપલ ભાનુશાલી ત્રીજા ક્રમે અભિજીત સિંહ રહ્યા હતા. ભાષણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે અભિષક મૌર્ય, બીજા ક્રમે રિમઝિમ સિંહ અને ત્રીજા ક્રમે કુશવાહા મધુ રહેવા પામ્યા હતા. જ્યારે લોક નૃત્યમાં આદિવાસી યુવક મંડળ પ્રથમ ક્રે રહી હતી જ્યારે બીજા ક્રમે બી.એડ કોલેજગ્રુપ રહ્યું હતું.
કાર્યક્રમના અંતે જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસે તમામ અતિથિઓ, નિરીક્ષકો અને સહભાગીઓનો આભાર માન્યો હતો. તેમણે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને જિલ્લા વહીવટીતંત્ર દમણના વરિષ્ઠ અધિકારીઓનો સહકાર બદલ આભાર માન્યો હતો. કાર્યક્રમના આયોજનમાં ધ્રુવ, અવિશેક, સાહિલ, અનિકેત, મમતા, પ્રાચી અને અન્ય સ્વયંસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.