દક્ષિણ ઝોન ભાજપની યોજાયેલ મહત્વાકાંક્ષી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત પ્રધાનો, સાંસદ સભ્યો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થવાના આડે ગણતરીના દિવસો અને કલાકો રહ્યા હોવાથી ભાજપ માટે 2022ની સામાન્ય ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યાના એંધાણો વર્તાવા શરૂ થઈ ગયા છે તે અંતર્ગત આજે શનિવારે વલસાડ, ધરમપુર ચોકડી કડવા પાટીદાર સમાજ હોલમાં ભાજપની હાઈકમાન્ડ નેતાઓની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું હતું.
વલસાડ ખાતે યોજાયેલ ભાજપના દક્ષિણ ઝોનના આ કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકા સહિત સાત જિલ્લાનું ડેલીગેશન ઉપસ્થિત રહ્યું હતું. કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અને ચૂંટણી નિતીકાર અમીત શાહની રાહબરી હેઠળ યોજાયું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ,રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ સાંસદો, ધારાસભ્યો, જિ.પં., તા.પં.ના પ્રમુખો જેવા ખાસ ઈન્વાયટી મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ અતિ મહત્વકાંક્ષી એટલા માટે બની રહી હતી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોને કોને ટિકિટ આપવી તેની સેન્સ લેવાઈ હતી. કારણ કે આ ચૂંટણી ભાજપ માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ અતિ મહત્ત્વની પુરવાર થનાર છે. 2024ની લોકસભાની ચૂંટણી ઉપર ગુજરાતની ચૂંટણીની અસર અચુક થવાની છે. તેથી ભાજપ હાઈકમાન્ડે ગુજરાતની ચૂંટણીમાં વિજય અંકે કરવા માટે યુધ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દીધી છે તેથી આજની ભાજપ દક્ષિણ ઝોનની મીટિંગ ઘણી અગત્યની બની રહી હતી. કોને કોને ટિકિટ મળશે તેનુ હોમવર્ક પણ આજે હાથ ધરાયું હતું. ચૂંટણી જાહેર થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના ભાજપના ઉમેદવારોની એક સાથે જ યાદી જાહેર થઈ જશે.