(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા.08: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘‘સંકલ્પપત્ર” જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે 5મી નવેમ્બરના રોજ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ‘‘અગ્રેસર ગુજરાત કેમ્પેઈન” લોન્ચ કરવામાં આવ્યું છે જેની વિગતવાર માહિતીઓ આપવા આજરોજ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ‘‘પત્રકાર પરિષદ”નું આયોજન જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ તબક્કે શ્રી હેમંતભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘‘અગ્રેસર ગુજરાત કેમ્પેઈન” હેઠળ વલસાડ જિલ્લાના વિધાનસભા વાઈસ કુલ 65 અભિપ્રાય બોક્સ મૂકવામાં આવનાર છે. આ અભિપ્રાય બોક્સ વિવિધ મંડળોના હોદેદારો લોકોની વચ્ચે જઈ તેમના અભિપ્રાય મેળવશે. આ સાથે જ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ સંસદસભ્યશ્રી તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યશ્રીઓ લોકો વચ્ચે જઈ આ અભિપ્રાય બોક્સમાં તેમનો અભિપ્રાય મેળવી લોકો દ્વારા આપવામાં આવેલ તમામ અભિપ્રાયો મેળવી લીધા બાદ પ્રદેશ ખાતે મોકલી આપશે. લોકોના અભિપ્રાય મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાતપ્રદેશ દ્વારા વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત ‘‘સંકલ્પ પત્ર” જાહેર કરવામાં આવશે. આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.