નવા નીરથી છલોછલ મધબુન ડેમનો નજારો સૌને હરખાવે તેવો, ચાલું વર્ષે પાણીની તંગી નહી પડે એવી અનુભૂતિ
ચાર દાયકા પૂરાણા મધુબન ડેમથી ઔદ્યોગિક એકમો દ્વારા રાજ્ય સરકારને વર્ષે રૂા. 100 કરોડની આવક
ડેમમાં પાણીની 547 એમસીએમ સંગ્રહ ક્ષમતા સામે વર્ષ દરમિયાન 196.95 એમસીએમ પાણી છોડાય છે
આલેખનઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ જિલ્લાના ચાર તાલુકા વાપી, ઉમરગામ, પારડી અને કપરાડા તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લાખો લોકો માટે પીવાના પાણીથી માંડીને ખેતીવાડી અને ઔદ્યોગિક એકમો માટે જીવાદોરી સમાન ગણાતો મધુબન ડેમ ધોધમાર વરસેલા વરસાદને પગલે છલોછલ થતા વધામણાં કરાયા છે. ડેમમાં નવા નીર આવતા આગામી વર્ષ દરમિયાન પાણીની તંગી વર્તાશે નહીં એવી અનુભૂતિ થઈ રહી છે.
વલસાડ જિલ્લાની ઓળખ સમાન ગણાતો મધુબન ડેમનું સૌંદર્ય બારેમાસ મન મોહી લે તેવું છે પરંતુ ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે ડેમ છલોછલ હોય અને દસેય દરવાજામાંથી ધસમસતા પ્રવાહ સાથે પાણી છોડવામાં આવે તે નજારો સૌ નેહરખાવે તેવો હોય છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસતો હોય ત્યારે જિલ્લાના ચાર તાલુકા અને દમણ – દાનહની ખેતીવાડીને લીલીછમ રાખવામાં અને વાપી, ઉમરગામ, સરીગામ તેમજ સંઘ પ્રદેશના ઔદ્યોગિક એકમોને ધમધમતા રાખવા મધુબન ડેમ પર આધાર રાખવો પડે છે. આખુ વર્ષ દરમિયાન લાખો લોકોની તરસ છીપાવવા માટે પણ આ ડેમ લાઈફ લાઈન સમાન ગણાય છે. ત્યારે આ ડેમ છલોછલ થતા સ્વાભાવિક છે કે, ખેડૂતથી માંડીને ઉદ્યોગપતિ હોય કે સામાન્ય માણસ હર કોઈ ખુશીની લાગણી અનુભવે છે.
આ અંગે દમણગંગા યોજના વિભાગ-1 ના મધુબન ડેમના એક્ઝિકયુટીવ એન્જિનિયર સન્મુખભાઈ એન.પટેલે જણાવ્યું કે, વર્ષ 1984 પહેલા મધુબન ડેમ ન હતો ત્યારે પાણીને લગતી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ 1984માં આ ડેમ અસ્તિત્વમાં આવ્યા બાદ વાપી, ઉમરગામ, દમણ અને દાદરા નગર હવેલીમાં લોકોની પીવાની પાણીની તરસ તો બુઝાય પરંતુ સાથે સાથે ખેતીવાડી અને અનેક જીઆઈડીસીઓ ધમધમવા માંડતા વિકાસને નવી રાહ મળી હતી. અનેક લોકો રોજગારી મેળવી આર્થિક રીતે સધ્ધર બન્યા છે. મધુબન ડેમનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછુ છે. ચાલું વર્ષે ડેમમાં નવા નીર આવવાની સાથે મધુબન ડેમ મોહક બનતાહર્ષની લાગણી અનુભવીએ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડેમની કુલ કેપેસીટી 547 MCM (Million cubic meters) છે. ડેમની રૂલ લેવલ સપાટી હાલમાં 76.00 મીટર છે. જ્યારે હાલનું વોટર લેવલ 75.90 છે. તા.15 ઓક્ટોબરથી ડેમનું રૂલ લેવલ 79.86 જાળવી રાખવામાં આવશે. ડેમના આજે તા. 29 ઓગસ્ટ 2024ના રોજ એક મીટર સુધી ચાર દરવાજા ખુલ્લા છે. જેમાંથી કેનાલ, નદી અને વીજળી ઉત્પાદન માટે હાલ 40226 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની સામે પાણીની આવક 17004 કયુસેક છે. ચાલુ વર્ષ દરમિયાન તા. 25 ઓગસ્ટને રવિવારે સૌથી વધુ 98000 કયૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.
દમણગંગા યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર સ્નેહલ એમ.પટેલે જણાવ્યું કે, આ ડેમ લાખો જનતા, ખેતીવાડી અને ઉદ્યોગો માટે કરોડરજ્જુ ગણાય છે. ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા 547 એમસીએમ છે. જેમાંથી વર્ષ દરમિયાન 196.95 એમસીએમ પાણી રિલિઝ કરવામાં આવે છે. જેમાંથી 72.99 એમસીએમ ખેતીવાડી, 29.78 એમસીએમ ઉદ્યોગો માટે અને 8.25 એમસીએમ પીવા માટે આપવામાં આવે છે. જ્યારે 76.65 એમસીએમ તળાવ/ટાંકીમાં સ્ટોરેજ કરાય છે. ઔદ્યોગિક એકમોને અપાતા પાણીથી રાજ્ય સરકારશ્રીને વર્ષે અંદાજે રૂા.100 કરોડની આવક થાયછે.
બોક્ષ મેટર
ડેમના હાઈડ્રો પ્લાન્ટ દ્વારા દર કલાકે 5.6 મેગાવોટ વીજળીનું ઉત્પાદન, સરકારને વર્ષે 80 લાખની આવક
દમણગંગા યોજના વર્તુળના મધુબન ડેમના ડેપ્યુટી એન્જિનિયર નરેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, મધુબન ડેમમાંથી વીજળી ઉત્પાદન (હાયડ્રો પ્લાન્ટ) માટે હાલમાં 1014 કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જેમાંથી દર કલાકે 5.6 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જે વીજળી કપરાડા તાલુકાના નાનાપોંઢા સ્થિત જેટકોને સપ્લાય કરવામાં આવે છે. જેમાંથી રાજ્ય સરકારને વર્ષે અંદાજે રૂા. 80 લાખની આવક થાય છે.