દમણ, વાપી અને વલસાડના ચૂંટણી કાર્યક્રમોની ખુશી વલસાડ જાહેર સભામાં મોદીએ વ્યક્ત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે પાંચ દિવસ ગુજરાતમાં છે. તેમનું શનિવારે દમણ એરપોર્ટ ઉપર આગમન બાદ પ્રથમ દિવસના ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. દમણમાં રોડ શો તથા વાપીનો રોડ શો પૂર્ણ કરી રાત્રે 8:30 કલાકેવલસાડ જુજવામાં જાહેર સભા સંબોધી હતી. ત્યાર બાદ રાત્રિ રોકાણ વલસાડ સરકીટ હાઉસમાં કરીને આજે રવિવારે સવારે 8:30 કલાકે સૌરાષ્ટ્રની ચાર જાહેર સભા માટે સોમનાથ જવા વલસાડ ડુંગરી રોલામાં બનાવેલ હેલીપેડ પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રીનો વલસાડ જિલ્લામાં બીજો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ શનિવારથી પ્રારંભ થયો હતો. દમણ, વાપીના મેગા રોડ શો બાદ રાત્રે 8:30 કલાકે વલસાડમાં જાહેર સભા સંબોધી હતી. રાત્રે 9:30 કલાકે ઝેડ કેટેગરીના સુરક્ષા બંદોબસ્થ હેઠળ વડાપ્રધાન રાત્રિ રોકાણ માટે વલસાડ સરકીટ હાઉસમાં કર્યું હતું. આજે રવિવારે વહેલી સવારે વડાપ્રધાનનો કાફલો સરકીટ હાઉસથી રોલામાં તૈયાર કરાયેલ હેલીપેડ પહોંચ્યો હતો ત્યાંથી હેલીકોપ્ટર દ્વારા મોદી ગીર સોમનાથ સૌરાષ્ટ્ર જવા રવાના થયા હતા.