ગેરેજ સામે પાર્ક કરેલ મોટર સાયકલમાં અચાનક આગ લાગતા 8 બાઈકો સહિત એક કાર આગની ઝેપટમાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક આવેલ પંચરત્ન બિલ્ડીંગ પાસે મધરાતે અચાનક એક પાર્ક કરેલ બાઈકમાં ભિષણ આગ લાગી હતી. તેથી આસપાસના નજીકમાં પાર્ક કરેલ અન્ય મોપેડ પણ આગની ઝપેટમાં આવી જતા એક કાર સહિત આઠ ઉપરાંત વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
વાપી હાઈવે ચાર રસ્તા નજીક પંચરત્ન બિલ્ડીંગ પાસે એક ગેરેજ સામે પાર્ક કરેલ એક મોટર સાયકલમાં મંગળવારે મધરાતે અચાનક આગ લાગી હતી.તેની જાણ નજીકથી પસાર થતાં લોકોને થતાં નોટિફાઈડ ફાયરને જાણ કરી હતી. ફાયર સ્ટેશન પાસે જ હોવાથી ફાયર ફાઈટર ઘટના સ્થળે ધસી આવેલ પરંતુ તે પહેલાં જથ્થાબંધ વાહનોમાં આગ પ્રસરી ગઈ હતી. ઘટનામાં અન્ય કોઈ જાનહાની થવા પામેલ નથી પરંતુ અચાનક વાહનોમાં લાગેલી રહસ્યમય આગ થકી અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા.